– ડેલકરને ધમકાવીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો કેસ હતો
– ખોટી રીતે સંડોવ્યાની અરજદારોની અરજીમાં તથ્ય છે, કાયદાનો દુરુપયોગ થતો અટકાવવા માટે આ યોગ્ય કેસ હોવાની કોર્ટની નોંધ
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે સાંસદ મોહન ડેલકરનેઆત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપનો સામનો કરી રહેલા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ સહિત તમામ નવ આરોપી સામેનો કેસ રદ કરી નાખ્યો છે.ધાકધમકી આપીને ડેલકરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ માર્ચ ૨૦૨૧માં મુંબઈ પોલીસે પટેલ અને અન્ય આઠ જણ સામે ગુનો નોંધ્યો હતો. દાદરા નગર હવેલીના સાત વખત સાંસદ રહી ચૂકેલા ૫૮ વર્ષના ડેલકર ૨૨ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ મરીન ડ્રાઈવ ખાતેની હોટેલના રૃમમાંથી મૃતાવસ્થામાં મળી આવ્યા હતા.ગયા વર્ષે નવ આરોપીઓએ કેસમાં ખોટી રીતે સંડોવ્યા હોવાનું જણાવીને એફઆઈઆર રદ કરવાની અરજી કરી હતી.
ન્યા. વરાળે અને ન્યા. કુલકર્ણીની ડિવિઝન બેન્ચે અરજી માન્ય કરીને જણાવ્યું હતું કે અરજીમાં તથ્ય છે અને કાયદાનો દુરુપયોગ થતો અટકાવવા માટેનો આ યોગ્ય કેસ છે.ડેલકરના પુત્ર અભિનવ વતી ડેલકરના પરિવારજનોએ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નવ માર્ચ ૨૦૨૧ના રોજ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ કાયદા હેઠળ એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો.
આરોપીઓમાં પટેલ ઉપરાંત એ વખતના ડિસ્ટરીક્ટ કલેક્ટર સંદીપ સિંહ,સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શરદ દરડે,ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્મા,સબ ડિવિઝનલ ઓફિસર મનસ્વી જૈન,સિલ્વાસાના પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ પટેલ,દાદરા નગર હવેલી પ્રશાસન ખાતાના અધિકારી રોહિત યાદવ,રાજકીય નેતા ફત્તેસિંહ ચૌહાન અને સિલ્વાસાના તલાઠી દિલીપ પટેલનો સમાવેશ થાય છે.