– ગોલ્ડી જ આ હત્યાકાંડનો અસલી માસ્ટરમાઈન્ડ છે
ચંદીગઢ, તા. 11 સપ્ટેમ્બર, રવિવાર : સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના મેઈન શૂટર દીપક મુંડી અને તેના બે સહયોગીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.દીપક મુંડી અને તેના બે સાથી કપિલ પંડિત અને રાજિંદરને આજે પંજાબની માનસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ત્રણેયની 6 દિવસની કસ્ટડી આપી દીધી છે.પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના લગભગ 100 દિવસ બાદ શનિવારે પંજાબ પોલીસે તેમની હત્યામાં સામેલ છઠ્ઠા અને છેલ્લો શૂટર દીપક મુંડીની ધરપકડ કરી હતી.તેની સાથે જ તેના બે સહયોગીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
પંજાબ પોલીસના મહાનિર્દેશક (ડીપીજી) ગૌરવ યાદવે કહ્યું કે, દીપક અત્યાર સુધી પોલીસની આંખમાં ધૂળ નાખતો આવ્યો છે.પરંતુ કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંયુક્ત ઓપરેશનમાં તેને અને તેના બે સહયોગીઓને પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદેથી પકડવામાં આવ્યા હતા.યાદવના જણાવ્યા પ્રમાણે મુંડીના બંને સહયોગીઓની ઓળખ કપિલ પંડિત અને રાજિંદર તરીકે થઈ છે.આ બંને પર આરોપીઓને હથિયાર અને અન્ય સુવિધાઓ આપવાનો આરોપ છે.
DGPએ એક ટ્વીટમાં કહ્યું કે, પંજાબ પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરતા કન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશન ચલાવીને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના ફરાર શૂટર દીપક મુંડીની તેના બે સહયોગીઓ સાથે ધરપકડ કરી લીધી છે.તેમણે આગળ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશ પર નશીલા પદાર્થ અને પ્રખ્યાત આરોપીઓ વિરુદ્ધ ચાલુ યુદ્ધમાં મોટી જીત પ્રાપ્ત કરી છે.
29 મે ના રોજ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી
29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પંજાબ સરકારે તેમની સુરક્ષા કાયમી ધોરણે પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. મુસેવાલા તેના મિત્ર અને પિતરાઈ ભાઈ સાથે માણસાના જવાહરના ગામમાં જઈ રહ્યા હતા ત્યારે છ આરોપીઓએ તેનું વાહન રોક્યું અને ફાયરિંગ શરૂ કર્યું.કેનેડા સ્થિત લોરેન્સ બિશ્નોઈ ગેગના સભ્ય ગેંગસ્ટર ગોલ્ડી બરાડે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.કેન્દ્રીય એજન્સીઓની મદદથી ગોલ્ડી બરાડ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.ગોલ્ડી જ આ હત્યાકાંડનો અસલી માસ્ટરમાઈન્ડ છે.કપિલ નામના વ્યક્તિએ તેને નેપાળમાં શરણ આપી હતી.