વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે.જ્યાં કલમ ચાલવી જોઇએ તેવા વિદ્યાધામમાં આજે દંડાવાળી થતા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ખડા થયા છે. સુત્રોએ જણાવ્યું કે, અગાઉ પણ બે જુથ વચ્ચે મારામારી થઇ હતી, જે કે તે બાદ સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.પરંતુ આજની મારામારી બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
એમ.એસ.યુનિ.માં એજીએસજી જુથ કાર્યરત છે.અગાઉ આ જુથમાં બે ફાટા પડી ગયા હતા.એજીએસજીમાંથી છુટા પડેલા વિદ્યાર્થીઓના જુથે એજીએસયુ સંગઠનની શરૂઆત કરી હતી.આજે એજીએસજી અને એજીએસયુના વિદ્યાર્થી વચ્ચે યુનિ.પરિસરમાં દંડા વળે મારામારી થઇ હોવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.જેમાં વિજીલન્સના જવાનોની હાજરીમાં આ બધુ થયું હોવાનું જોવા મળી રહ્યું છે.
યુનિ. સુત્રોના જણાવ્યા પ્રમાણે, એજીએસજી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ એજીએસયુ સંગઠન સાથે સંકળાયેલા વિદ્યાર્થીને દંડા વડે માર માર્યો છે.આ સમગ્ર ઘટના કોમર્સ બિલ્ડીંગ બહાર ઘટી છે.જ્યારે વિદ્યાધામમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે દંડાવાળી થઇ ત્યારે વિજીલન્સના જવાનો પણ સ્થળ પર હાજર હતા.આ મારામારીના દ્રશ્યો સામે આવતા એમ.એસ.યુનિ.માં વિદ્યાર્થીની સુરક્ષાને લઇને અનેક સવાલો ખડા થયા છે.મારામારી બાદ એજીએસયુ જુથના વિદ્યાર્થીઓ દ્વારા માર મારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સયાજીગંજ પોલીસ મથકે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.તો બીજી તરફ યુનિ.ની શાંતિ ડહોળનારાઓ સામે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેશે.આ ઘટના સામે આવતા વિજીલન્સની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.