– 2020માં પાલઘર ખાતે ઝનૂની બનેલાં ટોળાએ 2 સાધુઓની હત્યા કરી હતી
મહારાષ્ટ્ર, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર : મહારાષ્ટ્રના સાંગલી ખાતે પાલઘર જેવી એક ઘટના સામે આવી છે.ટોળાએ મંગળવારના રોજ બાળક ચોરનારા હોવાની શંકા રાખીને 4 સાધુઓ પર હુમલો કરી દીધો હતો.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.જોકે તેમ છતાં સાધુઓએ આ મામલે કોઈ ફરિયાદ દાખલ નથી કરાવી.ઉત્તર પ્રદેશમાં મથુરાના રહેવાસી 4 સાધુઓ કાર દ્વારા કર્ણાટકના બીજાપુરથી પંઢરપુર મંદિર તરફ જઈ રહ્યા હતા અને સોમવારના રોજ તેઓ એક મંદિરમાં રોકાયા હતા. ત્યાર બાદ મંગળવારે આગળની યાત્રા શરૂ કરતી વખતે તેમણે એક છોકરાને રસ્તો પુછ્યો હતો.
ગાડીમાંથી ઉતારીને લાકડી વડે માર માર્યો
સાંગલીના લવંગા ગામ ખાતે બનેલી આ ઘટનાની વિગતો પ્રમાણે સાધુઓએ એક છોકરાને રસ્તો પુછ્યો એટલે કેટલાક લોકોને તે બાળકોનું અપહરણ કરતી ટોળકીના સદસ્યો હોવાની શંકા જાગી હતી.આ કારણે ગ્રામીણોએ સાધુઓને ગાડીમાંથી ઉતારીને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું.પોલીસ પુછપરછમાં તે સાધુઓ એક અખાડાના સદસ્ય હોવાનું સામે આવ્યું હતું.આ મામલે સ્થાનિક લોકોએ ભાષા અલગ હોવાના કારણે એકબીજાની વાત સમજી ન શક્યા હોવાથી સ્થિતિ વણસી હોવાનો ખુલાસો કર્યો હતો.
શું હતી પાલઘરની ઘટના
16 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ આ પ્રકારની એક ઘટના બની હતી.ટોળાએ બાળકોની ચોરી કરનારા હોવાની શંકા રાખીને 2 સાધુઓ સહિત 3 લોકોની સાથે મારપીટ કરી હતી.ઝનૂની બનેલા ટોળાએ 70 વર્ષીય સાધુ કલ્પવૃક્ષ ગિરી અને 35 વર્ષીય સાધુ સુશીલ ગિરી ઉપરાંત તેમના ડ્રાઈવર નીલેશ તેલગાડેની હત્યા કરી નાખી હતી.તે કેસમાં પોલીસે 250 લોકોની ધરપકડ કરી હતી.બંને સાધુઓ પોતાની ગાડી દ્વારા મુંબઈથી સુરત જઈ રહ્યા હતા તે સમયે પાલઘરના ગઢચિંચલે ગામમાં ટોળાએ તેમની હત્યા કરી નાખી હતી.