– આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે: આમ આદમી પાર્ટી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સુરતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે સાથે પક્ષ પલટના દૌર શરૂ થઈ ગયા છે ત્યારે આક્રમકતા સાથે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટીને હવે ભાજપના કાર્યકરોનો સમર્થન મળી રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.કારણ કે ફરી એક વખત સુરતના 84 વિધાનસભાના 500 જેટલા ભાજપના કાર્યકરો કેસરિયો ખેસ છોડી હાથમાં ઝાડ પકડ્યું છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા 84 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ આપના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર અને તેમની ટીમ દ્વારાસ્થાનિક લોકોને આપવા જોડાવાના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.હાલ આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી લોકોના ઘર સુધી તેમની વિચારધારા પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.આ સાથે જ જે લોકો રાજકીય રીતે આગળ આવવા ઇચ્છતા હોય અને હાલની વર્તમાન સરકારથી નાખુશ હોય તેવા યુવાનોને પાર્ટીમાં લાવવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે 84 વિધાનસભા મત વિસ્તારના 500 જેટલા સભ્યો આપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ,સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.
ભાજપના કાર્યકરો આપમા જોડતા આપ પાર્ટી દ્વારા જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.અરવિંદ કેજરીવાલ દ્વારા આપેલી ગેરંટીઓ પર ગુજરાતની જનતા વિશ્વાસ કરી રહી છે કેમ કે લોકો જાણે છે કે અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરીને બતાવે છે.તેમણે દિલ્હીમાં જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કર્યા છે અને પંજાબમાં પણ સરકાર બને ફક્ત ચાર મહિના થયા છે છતાંય જનતાને આપેલા વાયદાઓ પુરા કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહ્યુ છે.આ બધું જોઈને ફક્ત ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જે જનતાની સાચી સેવા કરવા માંગે છે તેઓ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.ભાજપના કાર્યકર્તાઓ પણ પોતાની જ પાર્ટીના કૃત્યોથી નારાજ છે અને એટલા માટે તેઓને પણ આમ આદમી પાર્ટી જ એક શ્રેષ્ઠ અને યોગ્ય વિકલ્પ લાગી રહી છે.તે માટે આજે ભાજપથી ત્રાસી ગયેલા ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.