– હાઇવેના ટોલનાકા પર પોલીસ બંદોબસ્ત મુકાયો
– અલગ-અલગ વિભાગનાં કર્મચારીઓનું ગાંધીનગરમાં પ્રદર્શન
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને વિવિધ સંગઠનો અને સંસ્થાઓ શાસક પક્ષના વિરોધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારીને ગાંધીનગરમાં ધરણા સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.તમામને આશા છે કે વિધાનસભા ચૂંટણી ટાણે માંડ સરકાર હાથમાં આવી છે અને આજ સમય છે કે સરકારનું નાક દબાવીને તેમના પડતર પ્રશ્નોનું સમાધાન લાવી શકાશે.એટલે જ દર બીજા દિવસે વિવિધ સંગઠનો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ-ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે.ત્યારે હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે ગાંધીનગરમાં સતત વધી રહેલા વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ તંત્ર કામે લાગ્યુ છે.એટલે કે ગાંધીનગર જતા પ્રદર્શનકારીનો રોકવા માટે ટોલનાકા પર પોલીસ ખડકી દેવામાં આવી છે.વડોદરા દુમાડ ચોકડીથી ગાંધીનગર જતા લોકો પર વોચ રાખવામાં આવી રહી છે.આમ તો ટોલનાકા બંધ હોવાને કારણે ત્યાં કોઇ જોવા મળતુ નથી.પરંતુ આજે ટોલનાકા પર પોલીસ દેખાઇ રહી છે અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પર વોચ રાખવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં અલગ-અલગ શહેર જિલ્લામાંથી રાજકીય પક્ષો તથા આશાવર્કર અને આંગણવાડી બહેનો,વનરક્ષક- વનપાલ,શિક્ષણસંઘ,એક્સ-આર્મીમેન,ભારતીય કિસાન સંઘ ખેડૂતો તથા એલ.આર.ડી તથા બેરોજગારીના મુદ્દાઓ બનાવી રાજકીય,ધાર્મિક મુદ્દાઓ અંગે વિધાનસભા સત્ર દરમ્યાન સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન અને વિધાનસભા ઘેરાવો કર્યો હતો.રાજ્યના જુદા-જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં વિરોધ કરનારાઓ ગાંધીનગર જઇ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જી શકે તે માટે હવે પોલીસ કામે લાગી છે.હવે જોવુ રહ્યુ કે પ્રદર્શનકારીની માંગ પૂરી થાય કે કેમ ?