ગતરોજ બુધવારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં આશરે 7 જેટલા કાચા કામના કેદીઓએ જેલ તંત્રના ત્રાસના પગલે ફિનાઇલ પી લેવાની ઘટના સામે આવી છે.ઘટના બાદ તમામ કેદીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.જે કેદીઓ બોલી શકે છે તેમણે જેલ તંત્ર દ્વારા ભારે ત્રાસ ગુજારવામાં આવતો હોવાની આપવિતી મીડિયા સમક્ષ જણાવી છે.હવે આ મામલે તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.સુત્રોના જણાવ્યા અનુસાર, ફિનાઇલ ગટગટાવનાર કેદીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.
જેલને આમ તો સુરક્ષીત જગ્યા ગણવામાં આવે છે.પરંતુ આજે વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ખડા થાય તેવી ઘટના સામે આવી છે.આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા મહાઠગ હર્ષિલ લિંબાચીયા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગટગટાવી દીધું હતું.જે પૈકી હર્ષિલ લિંબાચીયા સામે એડમીશન અને નોકરી મામલે ઠગાઇના કિસ્સામાં પોલીસ ચોંપડે નોંધાઇ ચુક્યો છે.જ્યારે અભી ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો.વાતની જાણ જેલ તંત્રને થતા જ તમામને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવવામાં આવ્યા હતા.જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.વડોદરાના મહાઠગ હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવિતી મીડિયા સમક્ષ જેલ તંત્ર પર આરોપ મુકતા કહ્યું કે, મને જેલમાં ત્રાસ આપે છે.વાધેલા સાહેબ મને હેરાન કરે છે.મને હાઇ સિક્યુરીટીમાં મુકી દીધો છે.વાઘેલા સાહેબ મારી પાસેથી હાઇ સિક્યુરીટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માંગણી કરે છે.તો ફીનાઇલ પીનાર અન્ય કેદીએ હોસ્પિટલના બિછાનેથી મીડિયા સમક્ષ જેલ તંત્ર પર આરોપ મુકતા જણાવ્યું કે, સુપ્રીટેન્ડેન્ટનો બહુ ત્રાસ છે.બરોડા જેલમાં બહુ ત્રાસ આપી રહ્યા છે.નિકળવા ન દે, બંધ રાખે, ટીફીન ન આવવા દે, ટીફીન આવે તો અલગ કરી નાંખે, ગેટથી અમારૂ ટીફીન ઢોળી નાંખે, જમવાનું પુરૂ ન આવવા દે, અમે કાળી ફિનાઇલ પીધી છે.બધા કાચા કામના કેદી છે.હોસ્પિટલના બિછાનેથી વધુ એક અન્ય કેદીએ આપવિતી જણાવી જેલ તંત્ર પર આરોપ મુકતા મીડિયા સમક્ષ કહ્યું કે, કંઇ ટાઇમ પર આપતા નથી.મને બીપીની બિમારી છે.મને જેલમાં દવાખાને પણ જવા દેતા નથી.ફિનાઇલ જેલ સ્ટાફ લઇને આવ્યા હતા.ખોટી રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે.બધાને હેરાન કરી દીધા છે.અમારી માંગ છે કે જેલ એસપીને બદલાવો.ત્રણ ચાર મહિના સુધી 24 કલાક બંધ કરી દે છે.ફિનાઇલ પીનાર અમે એકબીજાને નથી ઓળખતા.
કેદીઓના હાલ જાણવા પહોંચેલા ડીસીપી અભય સોનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ટીફીન મામલે કેદીઓને અલગ કરવામાં આવ્યા હતા.આજે કેદીઓએ સાબુનું પાણી પીધું છે.તમામની હાલત સ્થિર છે, કંઇ ચિંતાજનક નથી.આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.તો બીજી તરફ જેલમાં ફિનાઇલ આટલા બધા કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું,સહિતના અનેક પ્રશ્નોએ લોકોને
વિચારતા કરી રહ્યા છે.હવે આ મામલે તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે નીચે મુજબના કેદીઓએ ફિનાઇલ ગટગટાવ્યું
– હર્ષિલ લીંબાચિયા
– અભિ આનંદ ઝા
– માજીદ ભાણ
– સલમાનખાન પઠાણ
– સાજીદ અક્બર કુરેશી
– સોહેબ કુરેશી તથા અન્ય એક કેદી