ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે 20 રાજ્યોમાં 56 સ્થળોએ દરોડા

499

– આ પ્રકારની ગેંગ્સ ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી સંબંધીત સામગ્રીનો વેપાર કરવાની સાથે જ બાળકોને ફિઝિકલી પણ બ્લેકમેઈલ કરે છે

નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર : બાળકોના ઓનલાઈન યૌન શોષણ મામલે CBI એક્શનમાં આવી છે. આ પ્રકારની સામગ્રી મામલે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 56થી વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.સીબીઆઈએ કોડ નેમ ‘ઓપરેશન મેઘદૂત’ અતંર્ગત આ કાર્યવાહી હાથ ધરી છે.સીબીઆઈએ સિંગાપોર અને ન્યૂઝીલેન્ડના ઈન્ટરપોલ એકમ દ્વારા જે ઈનપુટ્સ શેર કરવામાં આવેલા તેના આધાર પર આ પ્રકારે દરોડા પાડ્યા છે.સીબીઆઈના કહેવા પ્રમાણે એવી અનેક ગેંગ્સની ઓળખ મેળવવામાં આવી છે જે ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી સંબંધીત સામગ્રીનો વેપાર કરવાની સાથે જ બાળકોને ફિઝિકલી પણ બ્લેકમેઈલ કરે છે.આ ગેંગ બે પ્રકારે કામગીરી કરતી હોય છે. એક તો ટોળકી બનાવીને અને બીજું વ્યક્તિગત રીતે.ગત વર્ષે પણ આ પ્રકારની ગતિવિધિઓ સામે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.તેને ‘ઓપરેશન કાર્બન’ એવું નામ આપવામાં આવ્યું હતું.સુપ્રીમ કોર્ટે પણ ભારતમાં સોશિયલ મીડિયા સાઈટ્સ પર અપલોડ કરવામાં આવતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો કન્ટેન્ટ મામલે ચિંતા વ્યક્ત કરેલી છે.

સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી માગ્યો હતો જવાબ

સુપ્રીમ કોર્ટે 19 સપ્ટેમ્બર 2022ના રોજ સોશિયલ મીડિયા કંપનીઓને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા અટકાવવા માટે કયા પગલાં ભરવામાં આવ્યા છે તેવો સવાલ કર્યો હતો.આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફેસબુક, ટ્વિટર સહિતની તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓને 6 સપ્તાહની અંદર નિયંત્રણ અહેવાલ દાખલ કરવા માટે પણ કહ્યું હતું.

ગત વર્ષે 77 સ્થળોએ દરોડા પાડવામાં આવેલા

ગત વર્ષે નવેમ્બર મહિનામાં પણ સીબીઆઈએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલા કેસમાં 14 રાજ્યોના 77થી વધારે સ્થળોએ દરોડો પાડ્યો હતો.તેમાં યુપીના જાલૌન,મઉ ઉપરાંત નોએડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેરોને પણ સકંજામાં લેવામાં આવ્યા હતા.તે દરમિયાન સીબીઆઈએ વિભિન્ન શહેરોમાંથી 7 લોકોની ધરપકડ કરી હતી. 50થી પણ વધારે વ્હોટ્સએપ ગ્રુપ સીબીઆઈની રડારમાં હતા અને તેના દ્વારા 5,000થી પણ વધારે લોકોના નામ સામે આવ્યા હતા જે સોશિયલ મીડિયામાં આ પ્રકારની સામગ્રી શેર કરી રહ્યા હતા.તેના અનુસંધાને જ સીબીઆઈએ તાજેતરમાં દરોડા પાડ્યા છે.

Share Now