વડોદરા,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર : વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે પ્રીત પાર્ટી પ્લોટનો ઉપયોગ કર્યો હતો તે પાર્ટી પ્લોટ આજે રજાના દિવસે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ તોડવા માટે આવતા હોબાળો સર્જાયો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેસીબી મશીન સામે સુઈ જઈને વિરોધ કર્યો હતો.આખરે પાર્ટી પ્લોટના માલિક પાસે ગેરકાયદે બાંધકામ તોડવાની બાહેધરી લીધા બાદ કામગીરી મુલતવી કરવામાં આવી હતી.
વડોદરામાં ગત 20 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા હતા.વડોદરાની મુલાકાત સમયે શિક્ષકો અને વાલીઓ સાથે આમ આદમી પાર્ટીએ સંવાદ યોજ્યો હતો.આ સંવાદ માટે શહેરના સમાં સાવલી કેનલ રોડ પર આવેલા પ્રિત પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવ્યો હતો.જોકે પાર્ટી પ્લોટ આમ આદમી પાર્ટીને ભાડે નહીં આપવા પાર્ટી પ્લોટ માલિકને દબાણ પણ કરવામાં આવ્યું હતું.આજે આમ આદમી પાર્ટીને જગ્યા ભાડે આપવાની અદાવત રાખીને ભાજપ શાસિત પાલિકાની દબાણ શાખાની ટિમ બુલડોઝર સાથે પાર્ટી પ્લોટની પાછળના ભાગે કથિત ગેરકાયદે દીવાલ તોડવા પહોંચ્યું હતું.જ્યાં ભારે વિરોધ થતા કલાકો સુધી કામગીરી અટકાવી દીધી હતી.કોઈ પણ જાતની ધાકધમકીઓને વશમાં થયા વિના સમા સાવલી રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટના માલિક નવનીતભાઈ પટેલે આમ આદમી પાર્ટીને પોતાની જગ્યા કાર્યક્રમ માટે આપી હતી.જે બાદ આજે પાલિકાની દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ અધિકારી સાથે પ્રીત પાર્ટી પ્લોટના દબાણો તોડવા માટે
પહોંચ્યું હતું.પાર્ટી પ્લોટની પાછળ ઉભું કરેલું પતરાનું માળખું અને દીવાલ કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના તોડવા પહોંચતા આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સ્થળ પર પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પાર્ટી પ્લોટના માલિકે પાલિકાએ અગાઉ આપેલી નોટિસ માંગતા પાલિકાના અધિકારીઓ પાસે કોઈ જવાબ મળ્યો ન હતો.જ્યારે પાર્ટી પ્લોટના માલિક નવનીત પટેલે જણાવ્યું હતું કે અમે ભાજપને અનેક વાર મફત પાર્ટી પ્લોટ આપ્યો છે.અને આમ આદમી પાર્ટીએ પાર્ટી પ્લોટ ભાડે રાખવા માટે રૂપિયા ચૂકવ્યા હતા.જેથી અમે ભાડે આપ્યો છે.સતત એક કલાકના હોબાળા બાદ કોર્પોરેશનના સત્તાવાળાઓએ પાર્ટી પ્લોટના સંચાલક પાસેથી જાતે ગેરકાયદે દબાણ તોડી નાખશે તેવી ખાતરી આપતો લેખિતમાં પત્ર મેળવ્યો હતો તે બાદ કામગીરી મુલતવી કરવામાં આવી હતી.