– મધુ શ્રીવાસ્તવની કચેરીની બહાર ગ્રામ રક્ષક દળના જવાનોએ સુત્રો પણ પોકાર્યા કર્યા
– ધારાસભ્યને ગ્રામ રક્ષક માંગણીઓ વ્યાજબી લાગી,મુખ્યમંત્રીને રજૂઆત કરશે
ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણી સાથે ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે.અમુકની માંગ પૂરી થઇ રહી છે.ત્યારે અમુક કર્મચારીઓનું આંદોલન હજુ ચાલી રહ્યુ છે.આ વચ્ચે વડોદરામાં પણ ગ્રામ રક્ષક જવાનોએ હવે મોરચો માંડ્યો છે.અને પોતાની માંગણીઓની રજૂઆત કરવા માટે ધારાસભ્ય મુધ શ્રીવાસ્તવ પાસે પહોંચ્યા છે.વાઘોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળના જવાનો આજે વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.ગ્રામ રક્ષક દળના જવાનોની રજૂઆત છે કે તેઓના વેતનમાં વધારો કરવો જોઈએ સાથે જ તેમને ખાખી યુનિફોર્મ પર નિયમિત રીતે આપવો જોઈએ જે માટે આવેદનપત્ર થકી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવામાં આવી હતી મધુ શ્રીવાસ્તવની કચેરીની બહાર ગ્રામ રક્ષક દળના જવાનોએ સુત્રો પણ પોકાર્યા કર્યા હતા.
વાઘોડિયાના ગ્રામ રક્ષક અબ્દુલ રજાકે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે અમારી માંગ છે કે પગાર વધારો કરવામાં આવે અને યુનિર્ફોમમાં કંઇ પણ વસ્તુ મળતી નથી.જે પણ મળે તે ધારાસભ્ય પોતાના ખર્ચે આપે છે.સરકાર તરફથી કંઇ મળતુ નથી.અને 25 દિવસનો જ પગાર મળે છે.અમને 30 દિવસનો પગાર મળવો જોઇએ.એ અમારી મુખ્ય માંગ છે.જો ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવા તૈયાર છીએ તેમ ગ્રામ રક્ષકે જણાવ્યુ હતુ.આ તકે આ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે ગ્રામ રક્ષક દળની રજૂઆત અને માંગણીઓ યોગ્ય અને વ્યાજબી છે.આ મામલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સુધી તેઓની રજૂઆત પહોંચાડીશ.