નવરાત્રીને ધ્યાને રાખી પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે બસની સંખ્યાં વધારાઇ

204

– એસ.ટી વિભાગ દ્વારા વધારાની 60 બસો ફાળવવામાં આવી
– એસ.ટી વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી બસો ફાળવાઈ
– પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે કરાઈ વ્યવસ્થા

આસો નવરાત્રી તહેવારને અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધુ એસ.ટી.બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે.હાલ નવરાત્રીના પવિત્ર અવસર પર એસ.ટી વિભાગ દ્વારા દર્શનાર્થીઓને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખો યાત્રાળુઓ દરરોજ આવનારા હોવાથી વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ યાત્રાળુઓને મુશ્કેલી ન થાય તે માટે એસ.ટી વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી વધારાની 60 બસો ફાળવવામાં આવેલ છે.જેનાં સુચારું આયોજન માટે એસ.ટી. વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજો સોંપવામાં આવેલ છે.તેની સાથે એસ.ટી વિભાગ દ્વારા સ્થળ ઉપર મંડપ,બેઠક વ્યવસ્થા,પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.એટલું જ નહિ મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિભાગનાં વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી મોનીટરીંગ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આશો નવરાત્રી દરમ્યાન દરરોજ 3 લાખથી વધુ યાત્રાળુઓ દર્શાનાર્થે આવતા હોય છે.નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં લોકો પાવાગઢ જતા હોય છે.જેથી એસ.ટી બસોમાં જગ્યા ન મળવા જેવી સ્થિતિ જોવા મળે છે.જેને ધ્યાને રાખી એસ.ટી વિભાગ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Share Now