ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો

203

– 16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
– ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તિતર બિતર થઈ રહી છે

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 16 થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.જ્યારે વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું.જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ,સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ,દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ,વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.વિધાનસભા ચૂંટણી હવે સાવ નજીકમાં છે.એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે.ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે ધીરે જામી રહ્યું છે.તેવા સંજોગોમાં કોંગ્રેસના મહેલના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે.ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે.તેવા સંજોગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.આમ છતાં કોંગ્રેસ સંગઠન તાર તાર થઈ રહ્યું છે.

ભાજપનો કેસરિયો ધારણ કરતા જ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કહ્યું હતું કે, કોંગ્રેસની અંદરની ટાંટિયા ખેંચ વૃત્તિથી નારાજ થયા હતા.હવે ગંધાર પટ્ટી માંથી 5000 મતોનું ધ્રુવીકરણ થશે તેમ કહી તેમણે ભાજપમાં જોડાયેલ આગેવાનો અને કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સંકલ્પબદ્ધ બની ભાજપ સાથે રહેવા આહવાન કર્યું હતું.

Share Now