આ દેખેં ઝરા, કિસ મેં કિતના હૈ દમ : આજે દશેરા રેલીમાં શિવસેનાના બે જૂથોનું પાણી મપાશે

135

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે આજે પોતાની સભામાં વધુ શિવસૈનિકો આવે એવા પ્રયાસ કર્યા છે ત્યારે મેદાનની ક્ષમતાની દૃષ્ટિએ જોઈએ તો શિવાજી પાર્ક કરતાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં ત્રણગણા લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે.શિવસેનાની પરંપરાગત દશેરાસભા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે તૈયારીઓ પૂરી કરી લીધી છે ત્યારે કોની સભામાં કેટલા લોકો આવશે અને કોણ સત્તાના સંઘર્ષમાં બાજી મારશે એના પર સૌની નજર છે. બંને માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે ત્યારે આ સભા માટે કોણે કેવી વ્યવસ્થા કરી છે અને શહેરમાં ટ્રાફિક સહિત બીજી કોઈ સમસ્યા ન સર્જાય એ માટે પોલીસે કેવો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે એ જોઈએ.બંને જૂથ પોતાની સભામાં વધુ શિવસૈનિકો આવશે એવો દાવો કરી રહ્યા છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શિવસેનાના બે જૂથો વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે આ વર્ષની દશેરાની ઉજવણી રસપ્રદ બની રહેશે.અદાલતના આદેશ બાદ શિવાજી પાર્કમાં દશેરાની રેલીની મંજૂરીને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથ ગેલમાં છે,જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી એકનાશ શિંદે જૂથના કાર્યકરોએ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી છે.

અટકળો એવી પણ હતી કે શિંદે જૂથની રેલીમાં ભાજપના નેતાઓ હાજરી આપશે, જોકે પાછળથી આ વાતનો શિંદેના પ્રવક્તાએ રદિયો આપ્યો હતો.આ રેલીમાં શિંદેને જ મુખ્ય વક્તા તરીકે રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.બંને પક્ષો વચ્ચે અસલી શિવસેનાનો હોવાના દાવાને લઈને ચાલી રહેલી અંટસ વચ્ચે દશેરાની આ રેલી મુખ્યમંત્રી શિંદે માટે પદભાર ગ્રહણ કર્યા પછીની સૌથી મોટી જાહેર સભા બની રહેશે.આ રેલીમાં તેઓ એક લાખથી વધુ લોકોની જનમેદનીને પ્રથમવાર સંબોધશે.

Share Now