તેહરાન : ઈરાનમાં જોવા મળતા હિજાબ વિવાદને લઈને વિશ્વભરના લોકો ઈરાની મહિલાઓના સમર્થનમાં આગળ આવી રહ્યાં છે.ઈરાનમાં હિજાબ વિરૂદ્ધ આંદોલનનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે,જેમને દુનિયાની મોટી મોટી અનેક હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે.હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવનાર અભિનેત્રી એલનાઝ નોરોજી ફરીથી એકવાર આ આંદોલનમાં જોડાઈ છે.વિરોધ વ્યક્ત કરવા એલનાઝે અનોખા અંદાજ અપનાવ્યો છે,જેના કારણે તે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય પણ બની ગઈ છે.એલનાઝ નોરોજીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે હિજાબનો વિરોધ વ્યક્ત કરવા માટે પોતાના કપડાં એક પછી એક ઉતારતી જોવા મળી રહી છે.
વીડિયોમાં ઈરાની અભિનેત્રી પોતાનો હિજાબ અને બુરખો ઉતારતી જોવા મળી રહી છે.ત્યારબાદ તે અન્ય કપડાં પણ એક પછી એક ઉતારે છે.તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે દરેક મહિલા,દુનિયામાં ક્યાંય પણ, એ વાતની પરવા કર્યા વગર કે તે ક્યાંથી છે,તેને એ અધિકાર હોવો જોઈએ કે તે જે ઈચ્છે,જ્યારે ઈચ્છે અને જ્યાં ઈચ્છે તે પહેરી શકે.કોઈ પણ પુરુષ કે કોઈ પણ મહિલાને એ અધિકાર નથી કે તે તેને જજ કરે કે પછી તેને બીજા કપડાં પહેરાવા માટે કહે.
એલનાઝ નોરોજીએ વધુમાં લખ્યું છે કે દરેકનો પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ અને માન્યતા હોય છે અને તેનું સન્માન થવું જોઈએ.લોકતંત્રનો અર્થ છે નિર્ણય લેવાની તાકાત.દરેક મહિલા પાસે પોતાના શરીર અંગે નિર્ણય લેવાની તાકાત હોવી જોઈએ.હું નગ્નતાને પ્રોત્સાહન નથી આપતી, હું મારી પસંદની સ્વતંત્રતા’નું સમર્થન કરી રહી છું.અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બરથી ચાલુ થયેલા વિરોધ પ્રદર્શનમાં આ અગાઉ મહિલાઓ પોતાના વાળ કાપતી અને હિજાબને બાળતી જોવા મળી હતી.
શું છે આ સમગ્ર મામલો?
ઈરાનમાં આ વિવાદની શરૂઆત સપ્ટેમ્બરમાં 22 વર્ષની મહસા અમીનીની ધરપકડથી શરૂ થઈ હતી.મોરિલિટી પોલીસે અમીનીને ‘હિજાબ યોગ્ય રીતે ન પહેરવા’ના આરોપમાં અટકાયતમાં લીધી હતી.મહસા અમીની પોલીસ મથકમાં બેહોશ થઈ ગઈ હતી અને ત્યારબાદ ત્રણ દિવસ પછી તેનું મોત નિપજ્યું હતું.પોલીસે કહ્યું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું તેની સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂંક થઈ નહતી.આ ઘટના બાદ ઈરાનના અનેક શહેરો,કસ્બાઓ અને ગામડાઓમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.