વડોદરા : ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ PIએ સ્ટેજ પર ચઢી બંધ કરાવ્યો, માંજલપુર PI વિજય દેસાઇની બદલી

518

વડોદરા : વડોદરા શહેરના ભાજપના વોર્ડ નંબર-18ના ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે ઉર્ફે જય રણછોડે પોલીસની પરવાનગી વિના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં માંજલપુર પોલીસના PI વિજય દેસાઇએ કાર્યક્રમની મંજૂરી ન હોવાનું જાહેર મંચ ઉપરથી જણાવી કાર્યક્રમ બંધ કરાવી દેતા અનેક ધર્મગુરુઓએ અપમાનિત પરિસ્થિતિમાં મંચ છોડવું પડ્યું હતું.જોકે તે બાદ તાત્કાલિક માંજલપુર PI વિજય દેસાઇની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરાઈ છે.ડી.સી.બી PI વી.આર. ખેરને માંજલપુર પોલીસ મથકનો ચાર્જ અપાયો છે.જોકે PI વિજય દેસાઇની હાલમાં જ 13 સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ મથકે બદલી કરાઈ હતી.આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ સહિત અનેક ધર્મગુરૂઓએ મંચ છોડવું પડ્યું હતું.માંજલપુર પોલીસ મથકના PI વિજય દેસાઇ અને તેમની ટીમે ભાજપના નગરસેવક કલ્પેશ પટેલના જાહેર કાર્યક્રમને બંધ કરાવી દીધો હતો.માંજલપુર પોલીસ સહિત ACP કલ્પેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ ઉપર હાજર હતી.

માંજલપુર પોલીસ મથકના PI વિજય દેસાઇએ ટેલિફોનિક વાચચીતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેટર કલ્પેશ પટેલે લોક ડાયરા અંગે ક્યારે પરમિશન માંગી હતી.તે અંગે મને જાણકારી નથી.પરંતુ તેમને આ કાર્યક્રમ યોજવા પરમિશન મળી નથી.તેની માહિતી અમે નગરસેવક કલ્પેશ પટેલને બપોરે જ કરી દીધી હતી.તેમ જ છતાંય તેણે ત્યાં કાર્યક્રમની તૈયારી કરી હતી.માંજલપુરના ઈલેક્શન વોર્ડ નંબર-18ના ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, માંજલપુર ખાતે આવેલ સરસ્વતી ચાર રસ્તા પાસે ભંડારાનું આયોજન કર્યું હતું.પરંતુ, કોઈ મોટા માથાના ઈશારે પોલીસે ધાર્મિક કાર્યક્રમ માટે મંજૂરી આપી ન હતી.અમે શુક્રવારે જ કાર્યક્રમની મંજૂરી માંગતી અરજી પોલીસ કમિશનર કચેરીમાં કરી હતી.ત્યારે ગતરોજ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ પોલીસ આવી હતી અને મારા માણસને બંધ કવર આપ્યું હતું.જે બાદ પીઆઇએ જાતે સ્થળ પર આવી માઈક બંધ કરી કાર્યક્રમ અટકાવી દીધો હતો.

Share Now