ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતી ચોર્યાસી બેઠક પર ભાજપે સીટીંગ ધારાસભ્યને ટિકિટ નહિ આપીને સહકારી આગેવાન એવા ઉમેદવાર સંદિપ દેસાઇને પસંદ કર્યા છે.તો આમ આદમી પાર્ટીએ કાંઠા વિસ્તારમાં એકટીવ ટ્રસ્ટના અગ્રણી પ્રકાશ કોન્ટ્રાકટરને મેદાનમાં ઉતાર્યા છે.ભાજપના ઉમેદવાર બદલાતા કોળી સમાજમા અસંતોષ દેખાયો હતો.વિરોધમાં દેખાવો પણ કરાયા હતા.જોકે, બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઝંખનાબેન પટેલને અહી ૧.૧૦ લાખ મતની લીડ મળી હતી.જે ગુજરાતમાં બીજા ક્રમની જંગી લીડ હતી.બેઠકમાં કાંઠા વિસ્તારના ગામો ઉપરાંત શહેરી વિસ્તારો પણ આવેલા છે.અહી મહાનગરપાલિકાના વોર્ડમાં ભાજપનો કબ્જો છે.અહી કોળી મતદારો ઉપરાંત ગુજરાતી,ઉત્તર-ભારતીયો અને મહારાષ્ટ્રીયન મતદારોન સંખ્યા પણ નોંધપાત્ર છે.કોળી સમાજમાં ઉમેદવાર કાપી નાંખવાનો અસંતોષ અને આપ દ્વારા ઉતારાયેલા કાંઠા વિસ્તારના સ્થાનિક અગ્રણીને કાંઠા વિસ્તારમાંથી કેટલો સપોર્ટ મળે છે તેના પર મીંટ છે.બેઠકમાં ભાજપની લીડ ઘટી શકે છે એમ પણ કહેવાય છે.
અહી ગુજરાતી મહારાષ્ટ્રીયન,ઉત્તર ભારતીય,પાટીદારોનો ઝોક ભાજપ તરફે રહ્યો છે.સુરતીઓ,કાંઠા વિસ્તારના લોકો ભાજપ તરફથી વિકાસ થાય તેવી અપેક્ષા રાખે છે.પ્રાથમિક સુવિધાઓ આ વિસ્તારમાં ઉપલબ્ધ કરાવાઈ છે.હજીરા કાંઠાથી લઇને ડુમસ ડિંડોલી સચિન સુધીના વિસ્તારમાં ઉન,પરવટ,ગોડાદરા,ડિંડોલી ગામ જેવા વિસ્તારોમાં ડ્રેનેજ પાણીની સુવિધાઓનો વિસ્તાર થવો જોઇએ.ડુમસ બીચને હજુ વધુ સુવિધા અને નજીકમાં જ આવેલા સુરત એરપોર્ટ પર ઇન્ટરશનલ ફ્લાઇટ ઝડપથી આવ-જા કરતી થાય તેવી સ્થાનિક લોકોને આશા છે.વિસ્તારમાં પ્રદૂષણ અને રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે.અવારનવાર તે મુદ્દે લોકો અવાજ ઉઠાવતા રહ્યા છે. કાંઠાના ગામોને નોકરી આપવામાં અન્યાયની ફરિયાદો પણ ઉઠી હતી.અહી ઝીંગા તળાવોને લીધે ખેતરો અને બુડિયા,તલંગપોર ગામમાં વરસાદી પાણી ભરાઇ જાય છે.આ વિસ્તારમાં હવે હીરા બુર્સ આકાર લઈ રહ્યું હોવાથી પાણી ભરાવાની સમસ્યા અન્ય ગામોમાં પણ સર્જાય તેવી ભીતિ વ્યક્ત થઇ ચુકેલી છે.
કોંગ્રેસે સહકારી આગેવાનો બે વાર ઉતાર્યા પણ હાર મળી, આ વખતે ભાજપે ઉતાર્યા છે
આ બેઠક ૧૯૮૫થી ભાજપનો ગઢ છે.અને ત્યારથી બેઠક પર પટેલ સમાજને પ્રતિનિધિત્વ મળતું હતું.નરોત્તમ પટેલ અહી સતત ત્રણ ટર્મ વિજેતા બન્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં ૩,૪૬,૯૪૦ મતની જંગી લીડ મેળવી હતી.જોકે, ૨૦૧૨માં ભાજપે રાજેન્દ્ર પટેલ ઉર્ફે રાજાભાઇને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. તેમનો વિજય થયો પણ અવસાન થતા પેટાચૂંટણીમાં તેમના પુત્રી ઝંખના પટેલ ચૂંટણી લડયા અને વિજેતા બન્યા હતા.અહી કોંગ્રેસે અગાઉ બે વાર સહકારી આગેવાનોને મેદાનમાં ઉતાર્યા હતા અને બંને વખત હાર થઇ હતીઆ વખતે ભાજપે સહકારી આગેવાનને ઉતાર્યા છે.