સુરત : સુરતના પાંડેસરા ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મિલમાં અચાનક આગ લાગી હતી.જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી.આગની આ ઘટનામાં બે લોકો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે એક વ્યક્તિ પહેલા માળેથી કુદી જતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો.ફાયર વિભાગની 10 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મિલમાં કોઈ કારણોસર આગ લાગી હતી.ફાયર વિભાગને આગના બનાવની જાણ સવારે 11:10 મિનિટે કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ફાયરની અહીં 10 જેટલી ગાડીઓ પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો.મિલમાં ડમ્પિંગ મશીનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું અને આગના કારણે ગ્રે કાપડનો માલ અને ઓઈલ ટેંક બળી ગયું હતું.
આગની આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.એક વ્યક્તિ પહેલા માળેથી કુદી જતા તેને ઈજાઓ થઇ હતી.જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં 9 જેટલા લોકોને ધુમાડો લાગ્યો હતો.જેઓનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું.જ્યારે આ ઘટનામાં બે કારીગરો દાઝી જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આગની આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.અહીં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.કારીગરોએ જીવ બચાવવા માટે નાસભાગ કરી હતી.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું.
દાઝેલા વ્યક્તિઓ
– દિનેશભાઈ રામખેડાયા (50)
– સુંદશું યાદવ (41)