
– સરકાર મહારાષ્ટ્રની એક ઇંચ પણ જમીન કોઈને જવા દેશે નહીં:એકનાથ શિંદે
– મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદનની નિંદા કરી હતી
– 40 ગામડાઓની સમસ્યાઓનું નિરાકરણ કરવાની જવાબદારી અમારી સરકારની છે:એકનાથ શિંદે
નવી દિલ્હી,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર : મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર સીએમ એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે, તેમની સરકાર મહારાષ્ટ્રની એક ઇંચ પણ જમીન કોઈને જવા દેશે નહીં.શિંદેએ જણાવ્યું કે, અમે સરહદી વિસ્તારોમાં મરાઠી લોકોને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.એક ઇંચ પણ જમીન અમે ક્યાંય જવા દઈશું નહીં.તેમણે વધુમાં કહ્યું હતું કે, 40 ગામડાઓની સમસ્યાઓનું નિરાકરણ કરવાની જવાબદારી અમારી સરકારની છે.આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરહદ વિવાદ પર કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના નિવેદનની નિંદા કરી હતી.તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે કર્ણાટકના સીએમ બોમ્મઈને અચાનક મહારાષ્ટ્રના 40 ગામો પર દાવો કરવાની ફરજ પડી છે.આ પહેલા મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે આ મામલે કેન્દ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી.આ સાથે કર્ણાટકના સીએમ બોમ્મઈની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે યોગ્ય જવાબ આપવો જોઈએ.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, બોમ્મઈએ ટ્વીટ કર્યું, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ મુદ્દે ‘ઉશ્કેરણીજનક’ નિવેદન આપ્યું છે અને તેમનું સ્વપ્ન ક્યારેય સાકાર થશે નહીં.અમારી સરકાર દેશની જમીન, પાણી અને સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.હકીકતમાં, ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રનું કોઈ ગામ કર્ણાટકમાં નહીં જાય.તેમણે ટ્વીટ કર્યું કે રાજ્ય સરકાર બેલગામ-કરવાર-નિપાની સહિત મરાઠી ભાષી ગામડાઓ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જોરશોરથી લડશે.