છત્તીસગઢમાં ઇડીની કાર્યવાહીથી ખળભળાટ, સૌમ્યા ચૌરસિયા સહિત અનેક આરોપીઓની 152 કરોડની સંપત્તિ જપ્ત

120

– છત્તીસગઢમાં 75 સ્થળોએ ઇડીનું સર્ચ ઓપરેશન
– કોલસાના પરિવહન અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં મોટી કાર્યવાહી

નવી દિલ્હી,તા.10 ડિસેમ્બર 2022,શનિવાર : સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટે છત્તીસગઢમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.ઇડીએ છત્તીસગઢ કોલસાના પરિવહન અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં તપાસ બાદ કેટલાક મુખ્ય આરોપીઓની રૂ. 152 કરોડ 31 લાખથી વધુની ચલ અને સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે.ઇડીની કાર્યવાહીથી છત્તીસગઢમાં છેલ્લા એક મહિનાથી ખળભળાટ મચી ગયો છે.હવે, આ આંદોલન વધુ ઉગ્ર થવાની ધારણા છે.તપાસ એજન્સી ઇડી તરફથી છત્તીસગઢના વરિષ્ઠ અમલદાર અને રાજકીય વર્તુળોમાં ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવતા સૌમ્યા ચૌરસિયાની 21 સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.તેની અંદાજિત બજાર કિંમત કરોડો રૂપિયામાં છે.થોડા દિવસો પહેલા સૌમ્ય ચૌરસિયાની ધરપકડ સમયે આ સમાચાર રાજ્યમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યા હતા.

તપાસ એજન્સીની તપાસમાં ખુલાસો થયો કે, ખાણકામ સંબંધિત 15 જુલાઈ 2020ના સરકારી આદેશની અવગણના કરવા માટે મોટા પાયે કાવતરું ઘડવામાં આવ્યું હતું.ઇરાદાપૂર્વક મની લોન્ડરિંગ કરવા માટે ખાણકામ પછી પરિવહન સંબંધિત નીતિમાં ફેરફાર કરવામાં ઘણા લોકોની ભૂમિકા હતી.આ મામલે તપાસનો વ્યાપ જેમ જેમ આગળ વધશે તેમ તેમ અનેક લોકોની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.ઇડી હેડક્વાર્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,છત્તીસગઢ કોલસા ટ્રાન્સપોર્ટિંગ અને મની લોન્ડરિંગ કેસમાં અન્ય ઘણા પ્રખ્યાત આરોપીઓની જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી છે.ઇડી દ્વારા થોડા સમય પહેલા છત્તીસગઢમાં 75 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં છત્તીસગઢના ખાણ વિભાગ સાથે સંકળાયેલા ઘણા અધિકારીઓ અને ગેરકાયદેસર રીતે કામ કરતા ઘણા વેપારીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સર્ચ ઓપરેશન દરમિયાન ખાસ કરીને કોરબા અને રાયગઢ વિસ્તારમાંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. તેના આધારે આ મામલે 100 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. અનેક રાજકીય હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ ઇડીના રડાર પર છે.

પૂછપરછમાં તપાસ એજન્સીને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે.તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણી મોટી રાજકીય હસ્તીઓ,ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અન્ય લોકોની મુશ્કેલીઓમાં ઘણો વધારો થવાનો છે.તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડ સંબંધિત કેટલાક નવા ઈનપુટ પણ મળ્યા છે.તપાસ બાદ ઇડી કેટલાક નવા કેસ નોંધીને હજુ પણ મોટા ખુલાસા કરી શકે છે.તેની અસર આવતા સપ્તાહથી જોવા મળશે.તેવું પણ સૂત્રો જણાવે છે.

Share Now