– આવકવેરા વિભાગે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા કરી અનેક જોગવાઈ
– એડવાન્સ ટેક્સ સમયસર ભરવાના છે અનેક ફાયદા
નવી દિલ્હી,તા.12 ડિસેમ્બર 2022,સોમવાર : આવકવેરા વિભાગે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા તેમજ કરદાતાઓની સુવિધા માટે ઘણી જોગવાઈઓ કરી છે.આમાંથી એક એડવાન્સ ટેક્સની ચુકવણી છે.જે કરદાતા તેમજ આવકવેરા વિભાગ માટે પણ સરળ રહે છે.કરદાતાઓ નાણાકીય વર્ષમાં ચાર વખત એડવાન્સ ટેક્સ ચૂકવે છે અને તે દરેક ક્વાર્ટરના અંતના 15 દિવસ પહેલા ચૂકવવો પડે છે.વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખમાં હવે માત્ર 3 દિવસ બાકી છે.વાસ્તવમાં, એડવાન્સ ટેક્સ એવા કરદાતાઓએ ચૂકવવો પડે છે.જેમની કુલ કર જવાબદારી નાણાકીય વર્ષમાં રૂ. 10,000 કરતાં વધુ હોય.તેનો હેતુ કરદાતાઓ પર કર જવાબદારીનો એકસામટો બોજ નાખવાને બદલે હપ્તામાં ટેક્સ વસૂલવાનો છે.આ માટે, કરદાતાએ પોતે સંબંધિત નાણાકીય વર્ષમાં તેની કર જવાબદારીની ગણતરી કરવી પડશે અને તેને ચાર સમાન ભાગોમાં વિભાજીત કરીને દર ત્રિમાસિક ગાળામાં ચૂકવણી કરવી જરૂરી છે.ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટેનો હપ્તો 15મી ડિસેમ્બર સુધીમાં ચૂકવાઈ જવો જોઈએ.