ગૌપાલકો સામે 672 ફરિયાદ : 82ની અટકાયત : બે ને પાસા છતાં રખડતા ઢોરોનો પ્રશ્ન “જે સે થે”

157

વડોદરા, તા. 15 ડિસેમ્બર 2022, ગુરૂવાર : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષ દરમ્યાન 11 હજારથી વધુ પશુઓ પકડી, 672 પોલીસ ફરિયાદ સાથે 4477 પશુઓને પાંજરાપોળ શિફ્ટિંગ કરી પશુપાલકો પાસેથી 73.98 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે છતાં વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ “જે સે થે” રહ્યો છે.

મળતી માહિતી મુજબ, વર્ષ 2019 – 2020 દરમ્યાન 2721 પશુઓ પકડી 91 પોલીસ ફરિયાદ સાથે 17.32 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે.વર્ષ 2020- 2021 દરમ્યાન 2127 પશુઓ પકડી 139 પોલીસ ફરિયાદ સાથે 16.42 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે.જ્યારે વર્ષ 2021- 2022 દરમ્યાન 4638 પશુઓને પકડી 356 પોલીસ ફરિયાદો સાથે 32.03 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે.જ્યારે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર મહિના દરમિયાન 1906 પશુઓને પકડી 86 પોલીસ ફરિયાદ સાથે 7.94 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે.ડોર ટુ ડોર એનિમલ ટેગીંગ રજીસ્ટ્રેશનની વાત કરીએ તો વર્ષ 2018 – 2019 દરમ્યાન 5665 તથા વર્ષ 2021 થી 2023 દરમ્યાન 9823 પશુઓનું ટેગીંગ કરવામાં આવ્યું છે.જ્યારે ઢોર ડબ્બામાં ટેગીંગ કરેલ પશુઓની સંખ્યા 28 હજાર ઉપરાંત છે.કોર્પોરેશનને અત્યાર સુધીમાં 82 પશુપાલકોની અટકાયત સાથે બે પશુપાલકો સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

ઢોરવાડાની વાત કરીએ તો, કોર્પોરેશનને 16 ઢોરવાડા સીલ કરી 19 તોડી પાડ્યા છે.જ્યારે રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ પણ ઘટે છે.આવા સમયે પોલીસને ટેગીંગ નંબરના કારણે છ ગુના ડિટેક્ટ કરવાની પણ સફળતા સાંપડી છે. રખડતા પશુ પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટી ઉપર હુમલા થવાના બનાવો પણ બને છે.આ સમયે પાલિકાએ 12 પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા વડોદરા મનપા રખડતા પશુ પકડવાથી માંડી ટેગીંગ તેમજ કાયદાકીય કાર્યવાહીમાં સતત કાર્યશીલ રહ્યું છે.તેમ છતાં હજુ પણ સમસ્યા યથાવત રહેતા છાસવારે અકસ્માતોની ઘટના ઘટે છે.આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં કામગીરી વધુ સઘન બનાવે તેવી શકયતા છે.

Share Now