ભોપાલ : બૉલિવૂડના શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ “પઠાન”ના “બેશરમ રંગ” ગીત રિલીઝ થતા જ ફિલ્મનો વિરોધ શરૂ થઈ ગયો છે.સોશિયલ મીડિયા પર “પઠાન”ના બૉયકોટની માંગ થવા લાગી છે.એવામાં મધ્ય પ્રદેશના ભાજપ નેતાઓ પણ હવે આ ફિલ્મનો વિરોધ કરવા લાગ્યાં છે.
અગાઉ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે.તેમણે તો ફિલ્મ મેકર્સને ધમકીના સ્વરમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો નહીં હટાવાય તો મધ્ય પ્રદેશમાં ફિલ્મની રિલીઝ વિશે વિચાર કરવામાં આવશે.આ સાથે જ તેમણે અભિનેત્રી દીપિકા પાદૂકોણેને ટૂકડે-ટૂકડે ગેંગની સમર્થક ગણાવી હતી.હવે ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની પ્રતિક્રિયા સામે આવી છે.પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું કે, અમે ભગવાનું અપમાન સહન નહીં કરીએ. આ રંગનું અપમાન કરનારાને જડબાતોડ જવાબ નહીં,પરંતું તેમનું મોંઢુ તોડીને હાથમાં આપવાની હિંમત રાખીએ છીએ.
આ સાથે જ ભાજપ સાંસદે હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓ આ ફિલ્મનો બૉયકોટ કરે.જે સાચા હિંદુ છે,તેઓ પઠાન ફિલ્મ જોવા ક્યારેય નહીં જાય.જો કોઈ તેમની ફિલ્મ જોવા જ નહીં જાય,તો તેમને આર્થિક નુક્સાન ભોગવવું પડશે.જેવી તેમના પેટ ઉપર લાત પડશે,તેઓ ભાગી જશે.
સ્વરા ભાસ્કરે નેતાઓને આડેહાથ લીધા
“પઠાન”ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અભિનેત્રી સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયામાં સત્તાધારી પક્ષના નેતાઓને આડેહાથ લેતા ટ્વીટ કર્યું છે.જેમાં અભિનેત્રીએ લખ્યું છે કે, આપણા દેશના સત્તાધારી રાજનેતાઓને અભિનેત્રીઓના કપડા જોવામાંથી નવરા પડે,તો કંઈક કામ કરી લે.આ ટ્વીટ બાદ સ્વરા ભાસ્કર પણ ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોના નિશાને ચડી ગઈ અને તેને પણ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘પઠાન’ના તાજેતરમાં રિલીઝ થયેલા “બેશરમ રંગ” ગીતને લઈને હોબાળો મચ્યો છે.જેમાં ફિલ્મની હિરોઈન દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકિની પહેરી છે.જેને લઈને સતત વિવાદ વકરી રહ્યો છે.