– આરોગ્ય સચિવ રાજેશ ભુષણે NCDC અને ICMRને પત્ર લખ્યો
નવી દિલ્હી, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર : ચીન અને અમેરિકામાં વધતા જતા કોરોના કેસો વચ્ચે આરોગ્ય સચિવ રાજેશ ભુષણે NCDC અને ICMRને પત્ર લખ્યો છે,જેમાં કહેવાયું છે કે, તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવું પડશે.હાલ દેશમાં કોરોના કેસો વધુ નથી,મૃત્યુઆંક પણ ઓછો થઈ ગયો છે.જોકે આ વાયરસ વિશ્વભરમાં ફરીથી પગપેસારો કરી રહ્યો છે, આવી સ્થિતિમાં સરકાર પણ કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી.આ જ કારણસર સચિવ રાજેશ ભુષણ દ્વારા NCDC અને ICMRને પત્ર લખાયો છે.
આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, કોરોનાના નવા વેરિઅન્ટની સમય પહેલા ઓળખ કરવી હોય તો જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે.રાજ્યોને જીનોમ સિક્વન્સિંગના સેમ્પલ મોકલવાની પણ સૂચના અપાઈ છે.જો કે એક તરફ ભારત સરકાર તમામ રાજ્યોને સાવચેત રહેવા કહી રહી છે તો બીજી તરફ ન ગભરાવાની પણ સલાહ આપી રહી છે.
એન્ટિ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના પ્રમુખ ડૉ.એનકે અરોરાએ મંગળવારે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતે ચીનમાં ઉભી થયેલી કોવિડ પરિસ્થિતિ અંગે ચિંતા કરવાની જરૂર નથી.તેમણે કહ્યું કે, અમે સાંભળી રહ્યા છીએ કે ચીનમાં કોવિડ ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે.પરંતુ ભારતની વાત કરીએ તો અહીં મોટા પાયે રસીકરણ કરાયું છે.મોટાભાગના લોકોને રસી અપાઈ છે.જોકે અરોરાએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી વિશ્વમાં જેટલા પણ કોરોના વેરિઅન્ટ સામે આવ્યા છે,તે કેસો ભારતમાં મળ્યા છે.આવી સ્થિતિમાં માત્ર સાવચેત રહેવાની જરૂર છે, ચિંતા કરવાની નહીં.