સુરત,તા.21 ડિસેમ્બર 2022,બુધવાર : પઠાણ ફિલ્મનો વિરોધ સુરતમાં પણ સામે આવ્યો છે.સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.ગુજરાતમાં ફિલ્મ રીલીઝ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં મધ્યપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ પઠાણ ફિલ્મના રીલીઝ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત બેશરમ રંગ ગીતમાં ભગવા રંગ પરની અભદ્ર તેમજ અશ્લીલ ટીપ્પણીથી હિંદુ ધર્મની લાગણી દુભાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.તેમજ આવી ફિલ્મો બનાવનાર પ્રોડ્યુસર,નિર્દેશકો અને કલાકારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત જો સુરતમાં ફિલ્મ રીલીઝ થશે તો થીયેટરો પણ હિંદુ સમાજનો રોષનો ભોગ બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નીલેશ અકબરીએ જણાવ્યું હતું કે પઠાણ ફિલ્મના વિરોધમાં સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે.જેમાં મધ્યપ્રદેશમાં જે રીતે ફિલ્મ પ્રસારિત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે જ પ્રકારે ગુજરાતમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ લાગે તે માંગ કરવામાં આવી છે.પઠાણ ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં જે પ્રકારે ભગવા રંગ બતાવી હિંદુ ધર્મની લાગણી દુભાઈ છે તે માટે આ માંગ કરવામાં આવી છે.આ પ્રકારના ગીતો અને ફિલ્મ બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.