સુરત,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર : સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે મેયર માટે બંગલો બનાવવામાં આવ્યો છે અને હવે વર્ષે દહાડે માર્શલ,સિક્યોરિટી,ગાર્ડન અને લાઈટ બિલ મળી 26.63 લાખ રૂપિયા ખર્ચાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.આ અંગે આપ પાર્ટીના કોર્પોરેટરે સદનમાં માહિતી માંગી હતી અને માહિતીમાં આ આંકડો બહાર આવ્યો છે.
સુરતના મેયરનો મોંઘાદાટ બંગલો ફરી વિવાદમાં આવ્યો છે. સુરતના મેયરના બંગલાનો ખર્ચ પ્રજાના માથે પડી રહ્યો છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા બંગલાનું મેઈન્ટનેન્સ મોંઘુ સાબિત થયું છે.આ બંગલામાં સિક્યોરિટી,બેલદાર અને લાઈટ બિલનો ખર્ચ 26,63,198નો ખર્ચ એક વર્ષમાં કરાયો હોવાનું બહાર આવ્યું છે.આ સમગ્ર મામલે આપ પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડ દ્વારા સદનમાં માહિતી માંગવામાં આવી હતી, જેમાં આ આંકડો બહાર આવ્યો છે.હાલમાં સુરતના મેયર હેમાલીબેન બોઘવાલા આ બંગલામાં રહે છે.
– 4 માર્શલ પાછળ વર્ષે 12,32,448નો ખર્ચ
– 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ માટે 9,21,384નો ખર્ચ
– એક બેલદાર ગાર્ડન વિભાગ માટે 4,05,576નો ખર્ચ ખર્ચ
– લાઈટ બિલ પાછળ 1,03,790નો ખર્ચ
– આમ કુલ મળીને 26,63,198નો ખર્ચ એક વર્ષમાં કરાયો
જનતાના પૈસાનો આવો વ્યય બંધ કરવો જોઈએ : વિપક્ષ
મહેશ અણઘડએ જણાવ્યું હતું કે, મેયર પોતાની રાજાશાહી જીવવા માટે પ્રખ્યાત છે.સુરત મહાનગર પાલિકાની તિજોરીમાંથી સફેદ હાથી અને મેયર માટે રાજ મહેલ કહી શકાય તે માટે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે.તે અંગેની માહિતી સદનમાં મેં પૂછી છે.તે માટેનો જવાબ મળ્યો છે.દર મહીને અહી વર્ષે દહાડે 26 લાખ અને મહિને 3 લાખનો ખર્ચ થાય છે.મેયર અહી અઠવાડિયામાં રાણીની જેમ 2 થી 3 દિવસ રહેવા આવે છે અને તેની પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે.સુરતમાં 30 ટકા લોકો ખાડી કાંઠે વસવાટ કરવા મજબૂર છે.આમ છતાં પાલિકાને આ ખાડી બંધ કરવાનો સમય નથી અને પૈસા નથી,મેયરને વિનંતી છે કે, તમારી નીતિ સાચી હોય તો જનતાના પૈસાનો આવો વ્યય બંધ કરવો જોઈએ.
5 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે બંગલો
સુરતના અલથાણ પાસે મેયરના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેમાં 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું છે.મેયરનો આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે.આ બંગલામાં ગાર્ડન,બે માસ્ટર બેડરૂમ,ગેસ્ટ રૂમ,સર્વન્ટ રૂમ,કિચન,ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે.
– સુરતના મેયરના બંગલાના નિર્માણથી અત્યાર સુધી અનેક વખત ખર્ચના કારણે વિવાદમાં આવી ચુક્યો છે બંગલો
સુરત મહાનગરપાલિકાના મેયરનો બંગલો બને તે પહેલાં જ વિવાદમાં આવી રહ્યો છે.બંગલા બન્યા બાદ પણ ખર્ચના કારણે વિવાદમાં આવ્યા પછી હવે બંગલાના નિભાવ ખર્ચના કારણે વિવાદમાં આવી ગયો છે.પાલિકાના વિપક્ષના એક નગર સેવકે મેયર બંઘલા પાછળના ખર્ચની આર.ટી.આઈ. માગીને બંગલા પાછળ વાર્ષિક 27 લાખનો ખર્ચ થાય છે તે ખર્ચ સામે વિરોધ નોધાવ્યો છે.વિપક્ષી નગરસેવકે કહ્યું હતું કે, મેઈન્ટેનન્સ માટે માહિતી માગવામાં આવી હતી તે માહિતી આપવામાં આવી નથી.આ બંગલા માટે લાઈટ બીલની માહિતી પણ પુરી આપવામાં આવી નથી તેવો આક્ષેપ કર્યો હતો.હાલ જે માહિતી આપવામાં આવી છે તે માહિતી માં દર મહિને મેયર બંગલામાં માત્ર આઠ હજાર રૂપિયાનું લાઈટ બિલ આવે છે તેમ જણાવવામાં આવ્યું છે તે આશ્ચર્યજનક છે.હાલમાં જે માહિતી આપવામા આવી છે તેમાં વાર્ષિક 27 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે જેમાં બંગલાની જાળવણી માટે પાલિકાએ ચાર માર્શલ મુક્યા છે તેઓનો વાર્ષિક પગાર 12.32 લાખનો છે.જ્યારે ખાનગી સિક્યુરિટી 9.21 લાખ અને ચાર બેલદાર ગાર્ડન વિભાગનું કામ કરે છે તેની પાછળ ચાર લાખ રૂપયાનો ખર્ચ પણ સામેલ કરવામા આવ્યો છે.આ બંગલાનો મેઈન્ટેનન્સ અંગે માહિતી છુપાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યો છે.
– સુરત મેયરના વૈભવી બંગલાનું પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ, બોઘાવાલા રહેવા ગયા તે અગાઉના બિલ કરતાં 4 ગણું વધ્યું
સુરત મેયરનો આ બંગલો જોઈએ અંજાઈ ન જતા,સુરતના મેયર હેમાલી બોઘાવાલા મસ્ત મહેલ બાંધીને મ્હાલી રહ્યા છે.કોરોનાની બીજી લહેરમાં સુરતમાં અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ઉદ્યોગ ધંધા પર અસર થતા પરિવારો હાલકી ભોગવી રહ્યા છે ત્યારે મેડમને કામનું ભારણ અને તેનો તણાવ ઓછો થાય તે માટે મેડિટેશન રૂમ બનાવવામાં આવ્યો છે.
બંગલામાં કુલ 6 બેડરૂમ છે અને પ્રાઈવેટ ઝોનમાં લિવિંગ રૂમ અને ફોર્મલ ડાઈનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.એટલું જ નહીં મેયરના 5 કરોડથી વધુની કિંમતના બંગલાનું વીજબિલ 51 હજારથી વધુ આવ્યું છે.જો કે મેયર હેમાલી બોઘાવાલા બંગલામાં રહેવા ગયા તે બાદ બિલ 4 ગણુ વધ્યુ છે.
પ્રજાના પૈસા આમ વેડફવા કેટલા યોગ્ય ?
આ મહેલમાં અભેદ્ય સુરક્ષા માટે અદ્યતન નાઈટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.મેયરના રહેવા ગયા બાદ 3 જુલાઇએ પ્રથમ બિલ પણ આવ્યું છે.આ ઇલેકટ્રીક બિલ 51,890 રૂપિયા આવ્યું છે.હજી ગેસ બિલ સહિતના યુટિલિટી બિલ હવે આવવાના શરૂ થશે.ગેસ કનેક્શન માટે ગત તારીખ 23 જૂને રૂપિયા 9394 અને તારીખ 2 જૂને 5854 ભરવામાં આવ્યાં છે.
મંત્રી નિવાસ કરતા પણ વધુ સુવિધા
એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે.મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુવિધાઓ જોઈને આંખો પહોળી થઈ જશે
સુરત મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાતા એવી સ્થિતિ સર્જાઈ છે તંત્રએ નાણાં ભેગા કરવા માટે પાંચ પ્લોટ હરાજીમાં મુકવા પડ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે ત્યારે સુરતના અલથાણ પાસે મેયરના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.કેમ એ પણ એક સવાલ છે તેમાં હવે 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું છે.