ઉતરાયણ પર્વને હજુ તો વાર છે.પરંતુ સુરતમાં પંતગના કાતિલ દોરોના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.સુરતના કામરેજ ચાર રસ્તા પાસે પતંગના કાતિલ દોરાના કારણે યુવકનું ગળું ચિરાઈ ગયું હતું.તેને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.સુરત શહેર અને જિલ્લામાં પતંગ દોરાની બજારો ધમધમવા લાગી છે,પરંતુ ઉતરાયણ પહેલા જ લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવી રહ્યા છે.સુરત જિલ્લામાં એક આધેડનું પતંગના કાતિલ દોરાના કારણે જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી મુજબ નવાગામ ખાતે રહેતા 52 વર્ષીય બળવંત ઉર્ફે રાજુ પટેલ કામરેજ ચાર રસ્તા પાસે બાઈક પર પસાર થઇ રહ્યા હતા.એ દરમિયાન એકાએક પતંગનો દોરો તેમના ગળામાં લપેટાઈ ગયો હતો અને તેમના કારણે ગળું કપાઈ ગયું હતું.ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું.
બીજી તરફ મૃતક આધેડને પીએમ અર્થે કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.મૃતક લુમ્સના કારખાનામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.આધેડના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.