– ધર્માંતરણના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા હિંસા પર ઉતરી આવ્યા
– ટોળાને વિખેરવા,કાયદો વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસ ઉપર પણ હુમલો,એસપીને માથા પર દંડો મારતા લોહીલૂહાણ
– શાંતિ ડોળનારાઓ અને એસપી-પોલીસ પર હુમલો કરનારાને છોડવામાં નહીં આવે : કલેક્ટરની ચેતાવણી
નારાયણપુર : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સોમવારે કેટલાક લોકોએ એસપી ઉપર હુમલો કરી દીધો હતો.જેમાં નારાયણપુરના એસપી સદાનંદ કુમારનું માથુ ફુટી ગયું હતું અને ગંભીર ઇજા પહોંચી હતી.ધર્માંતરણના વિરોધમાં સોમવારે સર્વ આદિવાસી સમાજે નારાયણપુરમાં બંધની જાહેરાત કરી હતી.આ દરમિયાન અહીંના એક ચર્ચમાં લોકોએ ભારે તોડફોડ પણ કરી હતી.
તોડફોડને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગયેલી પોલીસ ઉપર પણ રોષે ભરાયેલા લોકોએ હુમલો કરી દીધો હતો.અને શાંતિ જાળવવાની પોલીસની અપીલને નકારી દીધી હતી.જે બાદ પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.લાઠીચાર્જને કારણે લોકોમાં ગુસ્સો વધી ગયો હતો અને પોલીસ અધિકારીઓ ઉપર પથ્થરમારો કરવા લાગ્યા હતા.જે દરમિયાન જ એસપીના માથા પર સ્થાનિક લોકોએ દંડાથી હુમલો કર્યો હતો.જેમાં તેમના માથા પર ગંભીર ઇજા પહોંચી હતી.લોહીલુહાણ હાલતમાં એસપીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નારાયણપુરમાં છેલ્લા ૧૫ દિવસથી ધર્માંતરણને લઇને વિવાદ ચાલી રહ્યો છે.અહીંયા બે સમુદાય વચ્ચે સામસામે હિંસાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી ચુકી છે.છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં ભારે તંગદીલીનો માહોલ છે.આ પરિસ્થિતિ વચ્ચે પણ સર્વ સમાજ આદિવાસી દ્વારા વિસ્તારમાં બંધની જાહેરાત કરાઇ હતી.જોકે શાંતિપૂર્વક બંધ પાળવાને બદલે પ્રદર્શનકારીઓ તોડફોડ પર ઉતરી આવ્યા હતા. તેઓએ એક ચર્ચમાં જઇને પણ ભારે તોડફોડ કરી હતી.સ્થાનિકોનો આરોપ છે કે અમારા વિસ્તારમાં બળજબરીથી કે લાલચ આપીને ધર્માંતરણ થઇ રહ્યું છે.દરમિયાન જિલ્લા કલેક્ટરે તોડફોડ કરનારાઓને આકરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે જે પણ લોકો કાયદો વ્યવસ્થાનો ભંગ કરશે તેની સામે આકરા પગલા લેવામાં આવશે.જે પણ લોકોએ એસપી ઉપર હુમલો કર્યો છે તેની સામે પણ કાર્યવાહી થશે.