રાજકોટ જિલ્લાના વેરાવળ ગામની સીમમાં બસમાંથી વિદેશી દારૂ ભરેલી પેટીનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો એજ સમયે આટકોટ પોલીસ ત્યાં પહોંચી હતી અને વિદેશી દારૂની 280 પેટી સાથે કુલ 21.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વહેલી સવારે આટકોટ પોલીસે પાડેલી આ રેડમાં રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલા વિશાલ સોલંકી નામના પોલીસકર્મી સહિત 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ વહેલી સવારે આટકોટ પોલીસની હદમાં આવતા વેરાવળ ગામની સીમમાં વિદેશી દારુ બસમાંથી ઉતારવામાં આવી રહ્યો હતો.રાજસ્થાન પાસિંગની સ્લીપર બસમાં ચોરખાનું બનાવીને વિદેશી દારુ લાવવામાં આવ્યો હતો અને મજૂરો મારફતે કોઇપણ પ્રકારનો ખૌફ ન હોય એ રીતે બિંદાસપણે દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો.જોકે એજ સમયે આટકોટ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ સ્લીપર બસને પણ જપ્ત કરવામાં આવી હતી.
આટકોટ પોલીસ દ્વારા પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આટકોટ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.એકતરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે કેટલાક પોલીસકર્મીઓ સખત મહેનત કરી રહ્યાં છે તો બીજી તરફ અમુક પોલીસકર્મીઓ આ પ્રકારની પ્રવૃતિમાં મદદગારી કરીને પોલીસની છબીને ખરડાવી રહ્યાં છે.પકડાયેલા પાંચ આરોપીઓમાંથી વિશાલ સોલંકી નામનો આરોપી રાજકોટ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ વર્ષ પહેલા પણ દારૂ ભરેલી ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડવામાં આવી હતી.એ સમયે પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ ઝડપાયા હતા અને સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.એ દારુકાંડમાં પીએસઆઇ સહીત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધવામાં આવી હતી અને સંડોવાયેલા પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ થતાં તેની ધરપકડ કરાઇ હતી.