– નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં છોડાતું વધુ પાણી ભરૂચમાં ગાબડાં રૂપે નબળી કામગીરી છતી કરી રહ્યું છે
– પાંચ મહિના પહેલા જ જંબુસર ભાજપ કિસાન મોરચાના સભ્યે નબળી દીવાલ અંગે કરેલી રજૂઆત
નર્મદા નહેરની અમલેશ્વર બાદ વડોદરા બ્રાન્ચ કેનાલમાં જંબુસરના દહેરી પાસે ગાબડાંથી 200 એકરમાં ઉભા પાકનો દાટ વળ્યો.ખેડૂતોમાં તકલાદી નહેરની કામગીરી સામે રોષ સાથે વળતરની માંગ.
ભરૂચ શહેર સાથે ખેડૂતોની માઠી દશા નવા વર્ષથી જ બેઠી છે.શહેરની પ્રજા 5 દિવસથી પાણીકાપ વેઠી રહી છે ત્યાં નહેરો તૂટતા ખેડૂતોના પાક ડૂબી રહ્યાં છે.પેહલી જાન્યુઆરીએ જ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તૂટતા ચાર ગામના ખેડૂતોનો 300 એકરમાં ઉભો પાક સફાચટ થઈ ગયો છે.આ કેનાલ 24 કલાકની હતી જેમાંથી સમગ્ર ભરૂચ શહેરને પાણી,ખેડૂતોને સિંચાઈ અને ઉધોગોને જળ પુરા પાડવામાં આવતા હતા.આજે કેનાલ તૂટ્યાના નવમાં દિવસે પણ તેનું સમારકામ કઈ રીતે અને ક્યારે કરવું તે અંગેનું કોઈ આયોજન હાથ ધરાયુ નથી.બીજી તરફ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે નર્મદા નિગમના લીધે ખેડૂતોના પાક પાણીથી પાયમાલ બની ગયા હોય પેહલા વળતર નક્કી કરી પછી જ સમારકામ શરૂ કરવાની રજુઆત કરી છે.
દરમિયાન રવિવારે બપોરે જંબુસર તાલુકાના દહેરી નજીક બ્રાન્ચ કેનાલમાં બે સ્થળે ભંગાણ પડ્યું છે.વડોદરા બ્રાન્ચ કેનાલ જંબુસરમાં તૂટતા 200 એકરમાં તૈયાર ઘઉં,તુવેર,મગ સહિત કઠોળનો પાક બરબાદ થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.નહેર વિભાગની બેદરકારી અને તકલાદી કામના લીધે ગાબડું પડ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વળતરની માંગ કરી છે.તો નર્મદા નિગમે બ્રાન્ચ કેનાલમાં વધુ પાણી છોડાતા કેનાલ તૂટી હોવાની કેફિયત રજૂ કરી છે.જંબુસરના કિસાન મોરચાના સભ્ય એ 6 મહિના પહેલા જ આ કેનાલની દીવાલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા મુખ્યમંત્રી સહિત નિગમની રજૂઆત કરી હતી.જેમાં કેનાલમાં વધુ પાણી છોડાતા તૂટી પડવાની દહેશત પણ વ્યકત કરી હતી.જે સાચી થરી છે.