સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : સુરતના રાંદેર વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની સાત વર્ષીય માનસિક અસ્થિર મગજની દિકરી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી.બીજી તરફ ભારે શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પતો ન લાગતા પરિવારે રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો.બનાવની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી હતી અને બાળકીની શોધખોળ કરી હતી દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.બાળકીનો પરિવાર સાથે મિલન થતાં પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બટુકભાઈ દાસકિયા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેઓને સંતાનમાં સાત વર્ષની દીકરી છે.બાળકી સાંજના 5 વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહી હતી,તે દરમિયાન રમતા રમતા ગુમ થઈ ગઈ હતી.બીજી તરફ બાળકી અસ્થિર મગજની હોય અને ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.બાળકીની ભારે શોધખોળ કરી હતી પરંતુ બાળકીનો ક્યાંય પતો ન લાગતા પરિવાર રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો.
બાળકીના પિતાએ સમગ્ર બનાવવાની જાણ રાંદેર પોલીસને કરી હતી.બનાવની ગંભીરતા સમજી રાંદેર પીઆઇ એ.એસ.સોનારા દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરી પોલીસ દ્વારા બાળકીને રાંદેર ઝઘડિયા ચાર રસ્તા પાસેથી શોધી કાઢી હતી.પોલીસે બાળકીનો કબજો પરિવારને સોંપ્યો હતો.બાળકી હેમખેમ મળતા પોલીસ મથકમાં જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.બાળકીને હેમખેમ જોઈ પિતા બાળકીને ભેટી પડ્યા હતા.બાળકી સહી સલામત મળી આવતા બાળકીના પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
બાળકીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી રમતા રમતા ગુમ થઈ હતી.અમે તેની ભારે શોધખોળ કરી હતી પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો.જેથી અમે તાત્કાલિક રાંદેર પોલીસ મથકે આવ્યા હતા.પોલીસ અમને તાત્કાલિક મદદ કરી હતી અને આખરે મને મારી બાળકી પરત મળી ગઈ છે.હું પોલીસ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે મને મારી દીકરીને શોધી આપી છે.પોલીસની કામગીરી ખુબ જ સરહનીય છે.