ભરૂચ : તા.12 જાન્યુઆરી 2023,ગુરુવાર : અંકલેશ્વરની પાનોલી GIDCમાં ગઇકાલે સાંજે આગની ઘટના બની હતી.ભારે જહેમત બાદ આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્ય હતો પરંતુ મોડી રાત્રે ગેસ ગળતરની ઘટના બનતા આસપાસના ગ્રામજનોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.ગ્રામજનો ઝેરી ગેસથી બચવા માટે હાઇવે તરફ દોડ્યા હતા.બનાવની જાણ થતાં પોલીસ અને વહિવટી તંત્ર પહોંચ્યું હતું અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી GIDCમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળ્યા બાદ રાત્રિ સમય દરમિયાન ગેસ ગળતરની ઘટના બની હતી.મોડી રાત્રે ગેસ ગળતર થતાં આસપાસના ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી.પાનોલી,સંજાલી ગામના મહારાજા વિસ્તારમાં રહેતા અનેક ગ્રામજનો ઝેરી ગેસથી બચવા હાઇવે તરફ દોડ્યા હતા.મોડી રાતે અફરા-તફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો અને વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.
ગ્રામજનોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ગ્રામજનોને અસરગ્રસ્ત ગામમાં ન આવવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા છે.મોડી રાતથી તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આગનો બનાવ બન્યો હતો.બનાવની જાણ થતાં લોકલ DPMCની મદદ લઈને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વહવટી તંત્ર સાથે સંકલન કરી આગ પર કાબુ મેળવ્યો હતો.તેની નજીક સંજાલી ગામ વિસ્તારમાં રહેતા લોકોને આંખમાં સામાન્ય બળતરાની સમસ્યા સર્જાઇ હતી.આ બાબતે વહવટી તંત્ર સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓ સ્થળ પર હાજર છે GPCBના આદેશ બાદ જયારે વાતાવરણ સુરક્ષિત થશે ત્યારે તમામ લોકો ને પરત તેમના નિવાસ સ્થાને મોકલવામાં આવશે.
સંજાલી ગામના મહારાજા વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ ગુજરાતી જાગરણ ને જાણાવ્યું હતું કે અક્ષર નીધિ ફાર્મા કંપનીમાં આગ લાગ્યા બાદ રાતના 2 થી 3 વાગ્યાના સમયે કંપનીમાં ગેસની ટેન્ક ફાટતાં આખોમાં મરચાની ભૂકી નાખી હોય તેવી બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતા અસરગ્રસ્ત લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાયું છે.આશરે 1500ની વસ્તી ધરાવતું ગામ ખાલી કરાયું હતું.