વડોદરા,તા.16 જાન્યુઆરી 2023,સોમવાર : મિશન ક્લીન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા તથા શહેરને નશામુક્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે,જે અંતર્ગત સયાજીગંજ પોલીસે એસ.ટી.ડેપોના પ્રવેશ ગેટ નજીક આવેલી એક નાસ્તાની લારી પરથી ગાંજાના પાંચ કિલો ઉપરાંતના વિપુલ જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
વડોદરામાં વધતા જતા માદક પર્દાથના વ્યાપ ચિંતાનો વિષય બન્યો છે.પોલીસ છાસવારે વિવિધ પ્રકારના માદક પદાર્થના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી માદક પર્દાથના દુષણને ડામવાનો પ્રયાસ કરે છે.આ દરમિયાન સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, એસ.ટી.ડેપોના પ્રવેશ ગેટ નજીક આવેલ ક્રિષ્ના સેવ ઉસળ નામની નાસ્તાની લારી પર એક ઈસમ ગાંજાનો વિપુલ માત્રામાં જ્થ્થો લઈને ઉભો છે.સયાજીગંજ પોલીસે બાતમીના આધારે તે સ્થળે પહોંચી એક શકમંદ ઈસમ મળી આવી હતી.
સયાજીગંજ પોલીસે શકમંદ ઈસમની તપાસ કરતા તેની પાસે રહેલા થેલામાંથી પાંચ કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 5,410 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રના આરોપી વેચીયાભાઈ વલવીની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ જણાવ્યુ હતું કે, ગાંજાનો જથ્થા તેને મધ્યપ્રદેશના કુકરી ગામે રહેતા એક ઈસમ પાસેથી લીધો હતો.મહારાષ્ટ્ર ખાતે લઇ જવાનો હતો.સયાજીગંજ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.