સુરત,તા.17 જાન્યુઆરી 2023.મંગળવાર : હાથ ઉછીના લીધેલા 6.50 લાખ રૂપિયાની ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે શ્યામધામ ચોક વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા ચેતનભાઈ જમનભાઈ તાર૫રા હીરાનો વેપાર કરે છે.આરોપી ભાવેશ મનુભાઈ કાછડિયા(રહે. ક્રિષ્ણા પાર્ક સોસાયટી,નનસાડ,કામરેજ) પણ હીરાનો વેપાર કરે છે.તેથી તેઓ એકબીજાને ઓળખતા હતા.તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.જાન્યુઆરી 2019માં ભાવેશને ધંધા માટે રૂપિયાની જરૂરત હોવાથી ચેતન પાસે હાથ ઉછીના 6.50 લાખ રૂપિયા રોકડા રૂપિયા લીધા હતા.પાંચ મહિનામાં રૂપિયા ચૂકવી આપવાના વાયદો કર્યો હતો.ત્યાર બાદ ભાવેશે લખાણ લખી આપ્યું હતું.ભાવેશે રૂપિયાની ચૂકવણી માટે ચેક આપ્યો હતો.ચેક અપુરતા ફંડના શેરા સાથે રિટર્ન થયો હતો.તેથી ચેતને એડવોકેટ યોગેશ જોગણી મારફતે આરોપી ભાવેશ વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી.કેસ કોર્ટમાં ચાલી ગયો હતો.તેમાં કોર્ટે ભાવેશને કસુરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.ચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.જો વળતર નહીં ચૂકવે તો વધુ 90 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.