વડોદરા MS યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો બહાર આવ્યા બાદ નિર્ણય, સાયન્સ ફેકલ્ટીમાં તમામ ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ

115

વડોદરા,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં નમાઝ અદા કરતો વિદ્યાર્થિનીનો વીડિયો સામે આવ્યો હતો.વીડિયો સામે આવ્યા બાદ આજે સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વરા ફેકલ્ટીમાં કોઇપણ ધાર્મિક પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં નમાઝ કે અન્ય કોઇપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો પરિપત્ર તેમણે જાહેર કર્યો હતો.

ફેકલ્ટી ડીને એક પરિપત્ર જાહેર કર્યો હતો.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ કે કોઇપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાશે નહીં.આ નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો.પરંતુ વિદ્યાર્થીઓએ માગણી કરી હતી કે, ફક્ત સાયન્સ ફેકલ્ટીમાં જ કેમ આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે.આ નિર્ણય સમગ્ર યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવે.

વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ અદા કરવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે.ગતરોજ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્મેન્ટમાં એક વિધાર્થિની નમાઝ અદા કરી રહી હોવાનો વીડિયો સામે આવતા યુનિવર્સિટી વધુ એકવાર ચર્ચાના ચગડોળે ચડી હતી.યુનિવર્સિટીમાં નમાઝ અદા કરવાનો વધુ એક વીડિયો સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોની કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા થયા હતા.એમ.એસ. યુનિવર્સિટીમાં નમાઝ અદા કરવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા આ સંદર્ભે અનેકવાર યુનિવર્સિટીના સત્તાધિશોને રજૂઆત કરી હતી.તેમ છતાં ગઇકાલે વધુ એક નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.જેના પગલે આધ્યાત્મિક સંત ડો.જ્યોતિનાથ મહારાજ પણ યુનિવર્સિટીની હેડ ઓફિસે પહોંચ્યા હતા.તેમણે યુનિવર્સિટીને રજૂઆત કરી હતી.

Share Now