સુરતના ઉધનામાં 175 મિલકતો સીલ, 17 લાખનો બાકી વેરો વસુલ કરાયો

124

સુરત,તા.18 જાન્યુઆરી 2023,બુધવાર : સુરતમાં આકારણી અને વસુલાત વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં સઘન ઝુંબેશ હાથ ધરી વેરા ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં છે તો બીજી તરફ પ્રથમ તબક્કામાં 17 જાન્યુઆરી સુધી 175 મિલ્કતને સીલ કરવાની તથા 263 જેટલા ખુલ્લા પ્લોટ ઉપર સુચના દર્શક બોર્ડ પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ કાર્યવાહી દરમિયાન ખુલ્લા પ્લોટના મિલ્કતદારો પાસેથી સ્થળ પર રૂ. 10 લાખ તથા સીલ મિલકતો પૈકી રૂ. 17.10 લાખ જેટલી રોકડ રકમ તેમજ એડવાન્સ ચેકની વસુલાત કરવામાં આવી હતી.

સુરત મ્યુ.કમિશ્નરના આદેશાનુસાર સુરત મહાનગરપાલિકા સાઉથઝોન (ઉધના)ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા ઝોનના વિવિધ વિસ્તારમાં સઘન ઝુંબેશ હાથ ધરી વેરા ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સાઉથ ઝોનના આકરણી અને વસુલાત વિભાગે સતત વસુલાત ઝુંબેશ હાથ ધરી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સાઉથ ઝોન(ઉધના)માં અત્યારસુધીમાં 187.35 કરોડની વસુલાત કરવામાં આવી છે.આ ઉપરાંત જે લોકોએ મિલકત વેરો/વ્યવસાય વેરો ભર્યો નથી કે બેદરકારી દાખવી રહ્યાં છે તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.નળ કનેક્શનો કાપવા સહિતની કડક કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે.બાકીદારો તેમનો બાકી મિલકતવેરો તાકિદે ભરપાઈ કરે તેવું મનપા દ્વારા જણાવાયું છે.

Share Now