સુરતના પાંડેસરામાં આચાર્યએ શિક્ષકને છૂટા કરી દેતા વિદ્યાર્થીઓનો વિરોધ

104

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો.સ્કૂલમાં વર્ષોથી અભ્યાસ કરાવતા શિક્ષકને આચાર્ય દ્વારા નોકરીમાંથી છુટા કરી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને શિક્ષકને પરત લાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગર પાસે સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નબર 15 (ઉડિયા માધ્યમ) શાળા આવેલી છે.આ શાળામાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓ શાળા બહાર આવેલા કેમ્પસમાં એકઠા થઈને બેનરો અને સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી વિભૂતિ સર ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા.દરમિયાન વિભૂતિ સરની તબિયત ખરાબ હોવાથી છેલ્લા 10 થી 15 દિવસથી તેઓ ગેરહાજર રહેતા હતા.દરમિયાન શાળાના આચાર્ય દ્વારા વિભૂતિ સરને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને વિભૂતિ સરને પરત લાવો,હમારી માંગે પૂરી કરો જેવા બેનર અને સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સર બીમાર પડતા તેઓએ 10 દિવસની રજા લીધી હતી અને તેઓ સ્કૂલે આવ્યા ન હતા અને બાદમાં તેઓને નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યા છે.જે નવા શિક્ષક આવ્યા છે,તેઓ જે રીતે અભ્યાસ કરાવે છે તેમાં અમને સમજ પડતી નથી.વિભૂતિ સર અહિયાં 5 વર્ષથી અભ્યાસ કરાવતા હતા અમને તેઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરાવતા હતા.જ્યાં સુધી વિભૂતિ સરને પરત લેવામાં નહી આવે અમે શાળામાં અભ્યાસ માટે નહી જઈશું.શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે જ આ નિણર્ય લેવાયો હતો.વધારે માંદગીના કારણે તેઓની રજા હતી અને હજુ પણ તેઓનું નિશ્ચિત નહોતું કે ક્યારે તેઓ શાળામાં હાજર થઇ શકે.આગામી સમયમાં પરીક્ષાઓ પણ આવી રહી છે.જેથી વિદ્યાર્થીના હિતમાં નિણર્ય લેવો જરૂરી હતી.અત્યારે જે શિક્ષક છે તે ક્વોલીફાઈડ શિક્ષક જ છે.દરેક વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યે લગાવ હોય છે.તે માનીએ છીએ પણ નવા શિક્ષક પણ વ્યવસ્થિત ભણાવે છે.પણ આગામી સમયમાં પરીક્ષા અને અભ્યાસક્રમને ધ્યાને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે.

Share Now