સુરતના મોટા વરાછામાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો

133

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરતના મોટા વરાછા વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે વિરોધ નોધાવવામાં આવ્યો છે.આ વિરોધ પ્રદર્શનમાં વૃદ્ધો અને મહિલાઓ પણ જોડાઈ હતી અને વિવિધ બેનરો સાથે દેખાવ કર્યાં હતા.

શું છે માંગણી?

વોર્ડ નંબર-2 મોટા વરાછા ઉત્રાણ ટી.પી.18,24,25,27 ઉપર 3 લાખ રહેતા કાઠીયાવાડી વિસ્તારમાં GEBના તાર અન્ડર ગ્રાઉન્ડ ક્યારે ? 30 લાખની વસ્તીવાળા કઠીયાવાડી વિસ્તારમાં RTOને લગતી કામગીરીની સરકારી ઓફિસ ક્યારે ? વોર્ડ નંબર 2, 3 લાખ વસ્તીવાળા કાઠીયાવાડી મોટા વરાછા વિસ્તારમાં લજામણી ચોકથી ગજેરા સ્કૂલ સુધી,ગોલ્ડન સિટીથી શિવધારા સુધી,સુદામા ચોકથી ભક્તિનંદન ચોક સુધી મેઈન રોડ તથા લીંક રોડ ઉપર સિટી બસની સુવિધા ક્યારે ?

સ્થાનિક મનિષાબેને જણાવ્યું કે, અમે ઘણા વર્ષોથી અહીંયાં રહીએ છીએ.અમારી માંગ છે કે, અહી સિટી બસની સુવિધા ચાલુ કરવામાં આવે.અહી લોકોને ભારે હાલાકી પડી રહી છે.રિક્ષાના ભાડા મોંઘા પડી રહ્યા છે,જેથી તાત્કાલિક ધોરણે સિટી બસની સુવિધા ચાલુ કરવામાં આવે.સ્થાનિક ચિરાગભાઈ વિરાણીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં હું ઘણા વર્ષોથી રહું છું.આ વિસ્તારમાં RTOની કોઈ ઓફિસ કે સુવિધા નથી, RTOને લગતું કોઈ પણ કામ જેમ કે મેમો,અરજી કે અન્ય કોઈ કામ હોય તો પાલ સુધી જવું પડે છે.

આ 30 લાખ વસ્તી ધરાવતા વિસ્તારમાં RTOની ઓફિસ ખુલે,જેથી RTOના પ્રશ્નોને લઈને દૂર સુધી જવું ન પડે.અમારી માંગ છે કે, મોટા વરાછા વિસ્તારની અંદર સરકારી ઓફિસ બને આવા સરકારી કામ સરળતાથી થાય એવી અમારી રજૂઆત છે.

Share Now