સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરતના પૂણા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય રત્નકલાકારે આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.જેના કારણે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના પૂણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટી નજીક રહેતા વિપુલ ભોજાભાઈ જિંજાળા (31 વર્ષ) રત્નકલાકાર તરીકે પત્ની સહિત 3 સંતાનોનું ભરણ-પોષણ કરતાં હતા.વિપુલભાઈએ 16 જાન્યુઆરીએ પોતાના ઘર નીચે ઝેરી દવા ગટગટાવી હતી.જેથી વિપુલભાઈના ભાઈ તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે વિપુલનું મોત થયું હતુ.વિપુલના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.પ્રાથમિક તપાસમાં વિપુલના આપઘાત કરવા પાછળ આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
હીરા કંપનીમાંથી મળતો પગાર અપૂરતો
મૃતક વિપુલના નાનાભાઈ પરેશ જીંજાળાએ જણાવ્યું કે, મારા ભાઈ છેલ્લા 17 વર્ષથી હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા.હીરા કંપનીમાંથી મળતો પગાર અપૂરતો હતો. પગારની આવક કરતા મોંઘવારીમાં ઘરની જરૂરિયાત મુજબના ખર્ચા ખૂબ જ વધી જતા હતા.ઘરનું શાકભાજી,કરિયાણું ઉપરાંત 3 બાળકોને પાછળ થતા ખર્ચને પહોંચી વળાતું નહતુ. જેને લઇ વિપુલે આ પગલું ભર્યું છે.આપઘાત પહેલા છેલ્લે તેમણે મારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તું મારી પત્ની અને સંતાનોને સાચવજે.આવું બોલવા પાછળ કારણ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો,ત્યારે પણ તેમણે એવું જ કહ્યું હતું કે, હવે મારી પાસે કોઈ રસ્તો નથી.મારાથી નથી પહોંચી વળાતું.ધંધામાં મારી પાસે કઈ છે જ નહી.