‘મિશન સુરક્ષિત સુરત’ અંતર્ગત ગુનેગારોને સુધરવામાં પોલીસ મદદ કરશે

203

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : “મિશન સુરક્ષિત સુરત” અંતર્ગત સુરત પોલીસ આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ કરીને જે ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા યુવાનોને અહી હાજર રાખવામાં આવ્યા હતા.આ યુવાનો ગુનાનો રસ્તો છોડી પોતાના જીવનમાં આગળ વધે તે હેતુ હતો.

સુરત પોલીસ ગુનેગારો સામે કડક પગલા ભરે છે.આ ઉપરાંત યુવાનો નશાના રવાડે ચડી જીવન બરબાદ ન કરે, તે માટે “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત યુવાનો ગુનાખોરીનો રસ્તો છોડી પોતાના જીવનમાં આગળ વધે તે માટે અવાર નવાર અનેક કાર્યક્રમ સુરત પોલીસે હાથ ધર્યા છે.

સુરત પોલીસ દ્વારા મિશન સુરક્ષિત સુરત શરુ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સુરત પોલીસ અને આર્ટ ઓફ લીવીંગ દ્વારા હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આશરે 150 જેટલા ગુનેગારોને એક હોલમાં ભેગા કરાયા હતા અને તેઓને ગુનાખોરી છોડવા માટે સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ખાસ કરીને રોષમાં આવીને કે પછી નશાના કારણે અથવા ભૂલથી કોઈ ગુના કરી બેસ્યા હોય તેવા યુવાનોને અહી એકત્ર કરાયા હતા.અહી પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે કહ્યું હતું કે તમે સુધારવા માંગો છો તો તમને પોલીસ મદદ કરશે.

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતુ કે, આર્ટ ઓફ લીવીંગ સાથે મળીને પોલીસે આ કાર્યક્રમ યોજ્યો હતો.અહી કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તેવા ખાસ કરીને યુવાનોને એકત્ર કરાયા છે.એક યુવાન કે જેનાથી કોઈ ગુનો થઇ ગયો હોય અને તે સુધરવા માંગતો હોય તો રાષ્ટ્ર,સમાજની ભલાઈ એમાં જ છે કે તેને સુધારવાનો મોકો આપવામાં આવે.પોલીસ કાયદાનું અમલ પૂરી કડકાઈથી કરાવે છે,પરંતુ સાથે સાથે અમે એ પણ પ્રયાસ કરીએ છી કે જો કોઈ યુવાન ભૂલથી કોઈ ગુનો કરી બેસે અને પછી તે સુધરવા માંગે તો તેને સુધરવાનો મોકો આપવામાં આવે.

આજે આ કાર્યક્રમમાં જેટલા યુવાનો હતા તે યુવાનોએ કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે હવે તેઓ ક્યારેય ગુનાખોરીના રસ્તા પર ના જાય.પોલીસ કાયદો વ્યવસ્થા તો જાળવી રાખશે પરંતુ એવા લોકો કે જે કોઈ કારણોસર ગુનામાં સંડોવાયેલા હોય અને સુધરવા માંગતા હોય તો તેઓને મદદ પણ કરશે.આજના સમયમાં ઘણા બધા યુવાનો નશાના કારણે ખરાબ સંગતના કારણે ગુનાના રસ્તે જાય છે યુવાનો ગુનાના રસ્તે ન જાય તે માટે પોલીસ દ્વારા પણ કામગીરી કરાઈ રહી છે.

Share Now