નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર : વારંવાર પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતાં મૌલાના મોહમ્મદ સાજીદ ફરીથી વિવાદિત બોલ બોલ્યા છે.આ વખતે તેમણે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ મંદિર પર કરવામાં આવેલા આક્રમણને યોગ્ય ઠેરવ્યું છે.મૌલાના મોહમ્મદ સાજીદ અગાઉ રામ મંદિર અંગે પણ કોમી ભાવનાઓ ભડકે એ રીતનું નિવેદન આપી ચુક્યા છે.
મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ પર કરવામાં આવેલી ચડાઈ અને મંદિરને તોડવાને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે ગઝનીએ આ મંદિર પર એટલે આક્રમણ કર્યું કારણકે ત્યાં ખરાબ કામો થતાં હતાં.તેમણે આગળ ઉમેર્યું હતું કે સોમનાથનાં મંદિરમાં ખરાબ કાર્યો થઇ રહ્યાં છે તેની જાણ ગઝનીને થઇ ગઈ હતી.અહીં આસ્થાના નામે રમત થઇ રહી હતી અને દેવી-દેવતાઓના નામ પર બીજું બધું થઇ રહ્યું હતું.
મૌલના સાજીદ રશ્દી ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ છે અને મુસ્લિમ ધર્મગુરુ પણ છે.તેમણે સોમનાથ મંદિર વિષે આગળ જણાવ્યું હતું કે અહીંથી છોકરીઓને ગાયબ કરી દેવામાં આવતી હતી.મૌલાના આગળ દાવો કરતાં કહે છે કે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ પર આક્રમણ થયું એ પહેલાં તેણે પોતાની ‘સીઆઈડી’ મોકલી હતી અને આ સીઆઈડી દ્વારા મંદિરમાં ખરાબ કામો થઇ રહ્યાં હોવાની પુષ્ટિ થયાં બાદ જ તેણે આક્રમણ કર્યું હતું.મૌલાના મોહમ્મદ સાજીદ રશ્દીએ એમ પણ કહ્યું હતું કે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર તોડ્યું ન હતું પણ અહીં જે ખરાબ કર્યો થઇ રહ્યાં હતાં તેને બંધ કરાવવાનું કાર્ય કર્યું હતું.
મૌલાના મોહમ્મદ સાજીદ અગાઉ પણ રામ મંદિર બાબતે આપત્તિજનક નિવેદન આપી ચુક્યા છે.તેમણે કહ્યું હતું કે, આજે મુસલમાન ચુપ છે,મારી આવનારી પેઢી,મારો દીકરો,મારો પૌત્ર તેનો પૌત્ર,પચાસ વર્ષ,સો વર્ષ પછી જ્યારે તેમની સામે ઈતિહાસ આવશે કે અમારી મસ્જીદ તોડીને ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે,ત્યારે બની શકે કે કોઈ મુસ્લિમ શાસક હોય,કોઈ મુસ્લિમ જજ હશે કે મુસ્લિમ શાસન આવી જાય.કશું કહેવાય નહીં,ફેરબદલ થઇ… શું આ મંદિરને તોડીને મસ્જીદ નહીં બનાવવામાં આવે? બિલકુલ બનાવવામાં આવશે.
સોમનાથ ગુજરાતના પ્રભાસપાટણ વિસ્તારમાં આવેલું સર્વપ્રથમ જ્યોતિર્લીંગ છે.લાખો શ્રદ્ધાળુઓ અહીં દર વર્ષે ભારતભરમાંથી આવે છે અને ભગવાન શિવના દર્શન કરીને પોતાની જાતને પાવન થયેલી સમજે છે.