પેપર લીક મામલે સુરતમાં AAPનો વિરોધ, અલ્પેશ કથિરિયાએ કહ્યું,સખ્ત કાનુન વિધાનસભામાં પસાર થવો જોઇએ

329

સુરત, તા. 29 જાન્યુઆરી, 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગતરોજ રાજ્યમાં જૂનિયર ક્લાર્ક માટે પરીક્ષા લેવામાં આવનાર હતી.રાજ્યમાં 9 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.ત્યારે આ પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી જેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ આ સમગ્ર મામલે સુરતમાં આપ પાર્ટી દ્વારા કલેકટર હસ્તક મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.અલ્પેશે કહ્યું સખ્ત કાનુન વિધાનસભામાં પસાર થવો જોઈએ જેનો આમ આદમી પાર્ટી આજથી ખુલ્લો ટેકો આપે છે.

આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 29 જાન્યુઆરી 2023ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી,પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા,કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવો,આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો,વર્ગો,વાહન ખર્ચ વગેરે મળીને એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 50 હજાર ખર્ચ કરે છે.

બિલકુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ ! વારંવાર પેપરો ફૂટવા,પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના ગુનેગારોને પકડીને રૂટીન કામની જેમ પૂરી કરી દેવું એ શું દર્શાવે છે ? ખુબ જ દુખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ‘ભરોસાની ભા.જ.પ. સૂત્ર પર વિશ્વાસ મુકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી.

આવેદનમાં આપ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે

– અત્યાર સુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગત જનતા સામે મુકવામાં આવે.
– હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નીવૃત ન્યાયધીશના વડપણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવે.
– અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમય મર્યાદામાં પુરા કરવામાં આવે.
– હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા 50 હજારનું વળતર આપવામાં આવે.
– સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે.
– વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજે રોજ પેપર ફૂટવાના દુષણને નિવારી શકાય.

આ ઉપરાંત જો સરકાર જરૂરી પગલા નહી ભરે તો આગામી દિવસોમાં યુવા જાગૃતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આપ પાર્ટી કાર્યક્રમો હાથ ધરશે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે જે પેપર ફૂટ્યા છે જે લોકોના સપના તૂટ્યા છે.પરિવાર રડી રહ્યો છે.તેઓના આંસુ લુંછવા એક પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ ગયો નથી.ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં રોડ પર ઉતરી છે અને સમગ્ર ગુજરાતમાં તાલુકા, જિલ્લામાં અમે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.આવા દરેક લોકો ભવિષ્ય ન બગડે તે માટે સખ્તમાં સખ્ત કાનુન વિધાનસભામાં પસાર થવો જોઈએ જેનો આમ આદમી પાર્ટી આજથી ખુલ્લો ટેકો આપે છે.

Share Now