UAEએ આ શહેરનું નામ બદલીને હિન્દ સિટી કર્યુ, PMએ જાહેરાત કરી

181

– અલ મિન્હાદ જિલ્લો અને તેની આસપાસ વિસ્તારોના નામ બદલાયા
– UAEના હિન્દ સિટીનો વિસ્તાર 83.9 કિલોમીટર ક્ષેત્રમાં પથરાયેલો છે

અબુધાબી, તા.31 જાન્યુઆરી-2023, મંગળવાર : UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને અલ મિન્હાદ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલી ‘હિન્દ સિટી’ કરવાની જાહેરાત કરી છે.યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી ડબલ્યૂએએમે આ અંગેની માહિતી આપી છે.

83.9 કિ.મી.માં પથરાયેલું છે હિન્દ સિટી

WAMના જણાવ્યા મુજબ શહેરને 4 ક્ષેત્રોમાં વહેંચી ક્રમશઃ હિન્દ-1,હિન્દ-2,હિન્દ-3 અને હિન્દ-4 નામ રખાયા છે.આમાં સંયુક્ત આરબ અમિરાતના રહેવાસીઓ માટેના ઘરો છે.હિન્દ સિટીનો વિસ્તાર 83.9 કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલો છે.ઉપરાંત આ શહેર અમીરાત રોડ દુબઈ-અલ એન રોડ અને જેબેલ અલી-લેહબાબ રોડ જેવા મુખ્ય રસ્તાઓ સાથે જોડાયેલો છે. દુબઈના શાસનના નિર્દેશ અનુસાર અલ મિન્હાદ ક્ષેત્ર અને તેની આસપાસના ક્ષેત્રનું નામ બદલીને હિન્દસિટી કરાયું છે.

બુર્જ દુબઈનું નામ બદલી કરાયું હતું બુર્જ ખલીફા

અગાઉ વર્ષ 2010માં દુબઈની પ્રખ્યાત બિલ્ડીંગ બુર્જ દુબઈનું નામ બદલવામાં આવ્યું હતું.તે દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાને બુર્જ દુબઈનું નામ બદલીને બુર્જ ખલીફા કરી દીધું હતું.ગત વર્ષે 13 મે-2022ના રોજ અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન થયું હતું.

જીલ્લાનું નામ બદલી નાખનાર શેખ કોણ છે

શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલીને હિન્દ સિટી કરી દીધું છે.તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ઉપરાષ્ટ્રપતિ,વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી હોવા ઉપરાંત દુબઈના શાસક પણ છે.તેઓ UAEના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ રાશિદ બિન સઈદ અલ મકતૂમના ત્રીજા પુત્ર છે.વર્ષ 2006માં તેમના ભાઈ મકતૂમના નિધન બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ અને શાસક તરીકેનો પદભાર સંભાળ્યો હતો.અલ મકતૂમ વિશ્વના મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ તરીકે પણ ઓળખાય છે.

Share Now