સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ-15 આરોપીઓ પૈકી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા અને મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસ્તો ફરતા અને 40 હજારના ઇનામી આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી પૈકી મોસ્ટ વોન્ટેડ ટોપ-૧૫ આરોપીઓની યાદી બનાવી તેમની ઉપર રૂ.5 હજાર થી રૂ.45 હજાર સુધીના રોકડ ઇનામ આપવાની જાહેરાત કરેલ હતી અને આવા આરોપીને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી.આ દરમ્યાન સુરત પીસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા અને મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ આરોપી હાલ પાંડેસરા ગોવાલક રોડ શાંતાનગર સોસાયટીમા રહે છે.જે માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી આરોપી રબિન્દ્ર ઉર્ફે પ્રભુ ઉર્ફે રવિ s/૦દિગમ્બર પાત્રા (ઉ.47)ને ઝડપી પાડ્યો હતો.
આરોપીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વર્ષ 2002મા તે તથા તેનો મિત્ર આદીકાંત ઉર્ફે અધિકાર રામ પ્રધાન નાઓ અલથાણ,ખોડીયારનગર ખાતે ભાડેથી રહેતા હતા ત્યારે તેમના ઘર પાસે રહેતા શંકર બહેરા તથા રંજન ગૌડ નામની વ્યક્તિઓ સાથે નવી સાઇકલ ચલાવવા બાબતે અલથાણ, નહેર પાસે ઝઘડો થયો હતો.જે ઝઘડામા શંકર બહેરાને ગળાના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ મારી ગંભીર ઇજા કરેલ અને રંજન ગૌડને ગળાના ભાગે ચપ્પુ મારતા તે સ્થળ ઉપર જ મરી ગયેલ જેથી તેની લાશ નહેરમા ફેંકી ત્યાથી ભાગી ગયા હતા અને બાદમા શંકર બહેરાને સારવાર માટે હોસ્પીટલમા દાખલ કરેલ હોય અને તેણે અમારા નામ આપતા તે પોલીસમા પકડવાની બીકે વતન ખાતે ભાગી ગયો હતો.
વધુમાં સુરત પોલીસ કમિશ્નર દ્વારા ટોપ -15નાસ્તા ફરતા આરોપીઓ પૈકી હાલમાં પકડાયેલા આરોપીને પકડી પાડવા માટે 40 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.આ મામલે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીમાં અપહરણ,બળાત્કાર તથા પોક્સો એક્ટના ગુનામાં 1 માસથી નાસ્તો ફરતો આરોપી સુરતથી ઝડપાયો
વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ,બળાત્કાર તથા પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને સુરતની ડીંડોલી પોલીસે ઝડપી પાડી આરોપીનો કબજો વાપી પોલીસને સોપ્યો છે.મળતી માહિતી મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈ 6 જાન્યુઆરી 2023ના રોજ 14 વર્ષની ઉંમરની સગીર બાળકીને લગ્નની લાલચે ભગાડી જવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલો આરોપી સુરતમાં ફરતો હોવાની માહિતી ડીંડોલી પોલીસને મળી હતી માહિતીના આધારે ડીંડોલી પોલીસે વોચ ગોઠવી ભેસ્તાન આવાસ પાસેથી આરોપી અજયકુમાર રામનારાયણ ગૌતમ (ઉવ.24)ને ઝડપી પાડ્યો હતો.
વધુમાં આરોપી સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અપહરણ,બળાત્કાર તથા POCSO એક્ટ ગુનામાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુનામાં છેલ્લા એક માસથી તે નાસતો ફરતો હતો.ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો વાપી ટાઉન પોલીસને સોપ્યો હતો.