સુરતમાં હત્યા કરી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિસાથી ઝડપયો

146

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા ઈસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી વર્ષ 2013માં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.જો કે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓડિસાના ગંજામ જિલ્લા ખાતે જઈ આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે.માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ ઓડિસાના ગંજામ જિલ્લા ખાતે ગઈ હતી અને ત્યાંથી આરોપી શિવા લક્ષ્મણ પાત્ર [ઉ.૩૩]ને ઝડપી પાડ્યો હતો.

પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2013માં સુરતના પાંડેસરા બમરોલી ચાર રસ્તા પાસે જાહેરમાં અગાઉ મિત્ર સાથે થયેલા ઝઘડામાં વચ્ચે પડી છુટા પડાવ્યા હતા.તે વખતે પોતાની સાથે ગાળાગાળી ઝઘડો થયો હતો જેની અદાવત રાખી આ ઝઘડાના પંદરેક દિવસ બાદ પોતે બુધિયા રાઠોડ નામના ઇસમની હત્યા કરી હતી.વધુમાં આરોપી આ હત્યા કર્યા બાદ પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી તેને પાંડેસરા પોલીસને સોંપ્યો છે.

Share Now