સુરત, 1 ફેબ્રુઆરી 2023 બુધવાર : (એડિટર – જિગર વ્યાસ ) : નોટબંધી વખતે કરોડોની હેરફેર કરનારા ભજિયાવાલા પિતા-પુત્રનો કેસ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે.જેમાં બેન્ક અધિકારીઓની સાઠગાંઠથી કરોડોની કિંમતની જુની નોટો બદલી હતી.ખાતેદારોના જ પાન-આધાર કાર્ડ મેળવી કાંડ કરતા મની લોન્ડરીંગનો કેસ કરવામાં આવ્યો છે.પીએમએલએ કેસ માટે ખાસ પ્રકારે વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરાયેલી છે.
ખાતેદારોના પાન કાર્ડ-આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોથી કૌભાંડ આચર્યું
નોટબંધી દરમ્યાન જુદી જુદી બેંકોમાંથી બેંકના જ અધિકારીઓ-કર્મચારીઓ સાથે મળીને ખાતેદારોના પાન કાર્ડ-આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી તેના આધારે કરોડો રૂપિયાની નાણાં બદલી કાઢવાના કેસમાં સીબીઆઇએ સુરતના ભજિયાવાલા પિતા-પુત્ર વિરૂધ્ધ દાખલ કરેલો કેસ ડેઝિગ્નેટેડ પીએમએલએ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે હુકમ કર્યો હતો.
પિતા-પુત્ર કિશોર અને જીગ્નેશ ભજીયાવાલા વિરુધ્ધ કેસ
એન્ફેર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી)ના આસીસ્ટન્ટ ડાયરેકટર ધર્મેન્દ્ર મીના તરફ્થી કરાયેલી અરજીમાં ઇડીના સ્પેશ્યલ કાઉન્સેલ સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, નોટબંધી દરમ્યાન મોટાપાયે ચલણી નોટો બદલવાના ચકચારભર્યા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સુરતના ભજિયાવાલા પિતા-પુત્ર કિશોર ભજિયાવાલા અને જીગ્નેશ ભજીયાવાલા વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો.જે આ કોર્ટમાં પડતર છે.પરંતુ આરોપીઓએ આચરેલો મની લોન્ડરીંગ એકટ હેઠળનો શિડ્યુલ ઓફેન્સ છે અને કાયદાકીય જોગવાઇ ખાસ કરીને કલમ-44(1) (સી) મુજબ, આ કેસ પીએમએલએની ડેઝિગ્નેટેડ કોર્ટમાં ચાલી શકે છે.
CBI સ્પેશિયલ કોર્ટે આ કેસના સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા
પીએમએલએ કેસ માટે ખાસ પ્રકારે વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરાયેલી છે અને શીડયુલ ઓફેન્સનો ટ્રાયલ આ કોર્ટમાં જ ચલાવી શકાય તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઇ છે ત્યારે સીબીઆઇ કેસને પીએમએલએની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવો જોઇએ.ઇડી તરફ્થી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસ અમદાવાદ રૂરલ કોર્ટમાં સ્થિત ડેઝિગ્નેટેડ પીએમએલએ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા હુકમ કર્યો હતો.સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસના સંબંધિત તમામ દસ્તાવેજો પણ પીએમએલએ ડેઝિગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા પણ ક્રિમીનલ બ્રાંચના સુપ્રિટેન્ડન્ટને હુકમ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે કિશોર ભજીયાવાલા સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક,બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકમાં ખોલવામાં આવેલા 60 બેંક ખાતાઓનું સંચાલન કરતા હતા.આમાંના મોટાભાગના ખાતાઓ તેમના દ્વારા ચલાવવામાં આવતા હતા જ્યારે કેટલાક તેમના બે પુત્રો – વિલાશ અને જિજ્ઞેશ દ્વારા સંચાલિત હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે તે ડમી એકાઉન્ટ્સ પણ ચલાવતો હતો જે આઈટી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો.આ ખુલાસાઓ બાદ સીબીઆઈએ તેમની સામે કથિત બનાવટી અને છેતરપિંડી માટે એફઆઈઆર પણ દાખલ કરી હતી.સુરતમાં ED અધિકારીઓ દ્વારા પૂછપરછ બાદ જીગ્નેશની ધરપકડ કરવામાં આવી હતી.
ભજિયાવાલા સામે 300 પાનાંની ચાર્જશીટ 300 લોકોને બેન્કની લાઈનમાં લગાવ્યા હતા
નોટબંધી બાદ જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરનારા સુરતના જિજ્ઞેશ ભજિયાવાલા સામેની ઈડીએ પોતાની તપાસ પૂર્ણ કરી સ્પે.પીએમએલએ કોર્ટમાં 300 પાનાની ફરિયાદ (ચાર્જશીટ) રજૂ કરી હતી. જેમાં નોટબંધી દરમિયાન જિજ્ઞેશ ભજિયાવાલાએ 300 વ્યક્તિઓ મારફતે જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરવા માટે બેન્કોની લાબી કતારમાં ઉભા રાખ્યા હતા.તેને સમર્થન આપતાં સંખ્યાબંધ નિવેદનો ઈડીએ નોધ્યા છે.આ ઉપરાંત સુરતમાં સ્થાવર મિલકતો ધરાવનારા જિજ્ઞેશ ભજિયાવાલાએ પોતાની મિલક્તો પૈકીના બેન્ક પ્રીમાઈસીસમાં ફરજ બજાવતાં બેન્કના અધિકારીઓને ધાકધમકી આપીને ચલણી નોટોની ફેરબદલ કરાવી હોવાના બેન્ક કર્મચારીઆે અને અધિકારીઓના નિવેદનો ઈડીએ જે તે સમયે નિવેદનો નોંધ્યા હતા.
નોટબંધી બાદ દેશભરમાં જૂની ચલણી નોટોને નવી નોટોમાં બદલી કરવાની દોડ ચાલી હતી.જે દરમિયાન સુરતમાં કરોડો રૂપિયાનું ડિસ્કલોઝર કરીનારા કિશોર ભજિયાવાલા સામે તપાસનો દોર શરૂ થયો હતો.જેમાં સુરતના કિશોર ભજિયાવાલાના પુત્ર જિજ્ઞેશ અને વિલાસે માતબર રકમની જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં બદલી કરાવી કૌભાંડ આચર્યું હતું.જેના આધારે ભજિયાવાલા સામે પહેલા સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી.સીબીઆઈએ જિજ્ઞેશ ભજિયાવાલા સામે ફરિયાદ નોંધી સતત ચાર દિવસ સુધી પૂછપરછ કરી હતી.સીબીઆઈ તપાસને સમાતંર સુરત એન્ફોર્સમેન્ટ વિભાગ (ઈડી)એ પણ જિજ્ઞેશ ભજિયાવાલા સામે તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ડિસેમ્બર 2016ના છેલ્લા સપ્તાહમાં ઈડીએ ધરપકડ કરી અમદાવાદની સ્પે.પીએમએલએ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.
આશરે 25 વર્ષ પહેલા કિશોર ભજીયાવાલાએ સુરતમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું
નોટબંધી વખતે પોતાના બેંક ખાતામાં એક કરોડથી વધુ રકમ જમા કરાવવા બદલ ઈન્કમટેક્સના સ્કેનર હેઠળ આવેલા કિશોર ભજીયાવાલા પાસેથી પાસેથી લગભગ 6.5 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા,જેમાં 1.4 કરોડ રૂપિયા 2000ની નોટમાં હતા.
ભજિયાવાલાના પરિવાર અને સહયોગીઓના નામે કુલ
40 બેંક ખાતા અને એક ડઝનથી વધુ લોકર મળી આવ્યા હતા.
આ લોકર્સમાંથી 50 કિલો ચાંદી, કેટલાંક કિલો સોનું અને 1.39 કરોડ રૂપિયાના હીરા પણ મળી આવ્યા હતા.જપ્ત કરાયેલા દસ્તાવેજો પરથી લાગેલા અંદાજ મુજબ ભજિયાવાલાની અત્યાર સુધીની કુલ સંપત્તિ 800 કરોડની આંકવામાં આવી હતી.
રેડ દરમ્યાન કિશોર ભજીયાવાલાની કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિત ભાજપના અનેક નેતાઓ સાથેની તસવીરો વાયરલ પણ વાઇરલ થઈ હતી જેને લઈને પણ વિવાદ છેડાયો હતો.અગાઉ 25 વર્ષ પહેલા ચા વેચવાથી કારકિર્દી શરુ કરનારા કિશોર ભજિયાવાલા શહેરના નામચીન ફાઇનાન્સર બની ગયા હતા અને નોટબંધી વખતે ખેલ પાડવા જતા અજેન્સીઓના રડારમાં આવતા ભરાઈ પડ્યા હતા.મની લોન્ડરિંગ સહિતના કેસમાં હવે પીએમએલએ કોર્ટમાં સુનવાઈ શરુ થવા જઇ રહી છે જેને લઇ પિતા-પુત્રની મુશ્કેલીમાં આવનારા દિવસોમાં વધારો થઇ શકે એવી શક્યતા છે.
ભજિયાવાલાની ધરપકડ શુક્રવાર (20 જાન્યુઆરી) 2017ના રોજ થઈ હતી.ભજિયાવાલા પર નોટબંધી બાદ કાળા નાણાંને સફેદમાં ફેરવવાનો આરોપ છે.ભજિયાવાલા સામે અગાઉ પણ કેસ નોંધાયેલો હતો.હકીકતમાં નોટબંધી પછી આવકવેરા વિભાગે દેશભરમાં દરોડા પાડ્યા હતા.આ સ્થિતિમાં સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલા પાસેથી 10.45 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.આરોપ છે કે ભજિયાવાલાએ નકલી બેંક ખાતાઓ દ્વારા કાળા નાણાંને લૉન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભજીયાવાલા એક સમયે ચા વેચતા હતા.
ભજિયાવાલા પાસેથી 400 કરોડની પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા : 700 લોકોને પૈસા જમા કરાવવા અને ઉપાડવાના કામમાં રોક્યા હતા.
અહેવાલો અનુસાર, કિશોર ભજીયાવાલાના 27 બેંક ખાતા હતા,જેમાંથી 20 બેનામી હતા.આના દ્વારા તે મની લોન્ડરિંગ કરતો હતો.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે કેટલા પૈસા જમા કરાવ્યા અને કેટલા ઉપાડ્યા.આવકવેરા વિભાગે 1,45,50,800 રૂપિયાની નવી નોટો,રૂપિયા 1,48,88,133 રૂપિયાનું સોનું,રૂપિયા 4,92,96,314 રૂપિયાના સોનાના દાગીના,રૂપિયા 1,39,34,580 રૂપિયાના હીરાના ઘરેણાં અને રૂપિયા 77,81,800 રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.તેની પાસેથી ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.બેંકો અને મોટા રાજકારણીઓની સંડોવણીની શંકાને જોતા આ કેસ જે તે સમયે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
જિજ્ઞેશ ભજિયાવાલાને 7 વર્ષની કેદ થઈ શકે છે
નોટબંધી બાદ જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરવા બદલ ઈડીએ 300 પાનાની ફરિયાદ (ચાર્જશીટ) સ્પે. કોર્ટમાં પ્રિવેન્સન્સ ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ)ની કલમ 3 અને 4 હેઠળ આરોપ મૂક્યો હતો.જિજ્ઞેશની સામે કરાયેલા આરોપો પુરવાર થાય તો સાત વર્ષ કેદની સજા થાય તેમ છે.