ફરી તારીખ પડી : સુરત ડાયમન્ડ બુર્સના ઓપનિંગમાં શા માટે થઇ રહ્યો છે વિલંબ ?

129

સુરત,તા.17 ફેબ્રુઆરી 2023,શુક્રવાર : સુરત ડાયમન્ડ બુર્સનું ઓપનિંગ પહેલાં દિવાળી પછી તરત થવાનું હતું.એ ન થયું અને એ પછી માર્ચમાં કરવાની વાતો સંભળાતી હતી.હવે છેલ્લા ન્યુઝ પ્રમાણે એનું ઓપનિંગ મે મહિનામાં કરવાના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે.

સુરત ડાયમન્ડ બુર્સનું મોટા ભાગનું કામ પતી ગયું છે,પણ હવે અન્ય પ્રોસીજરો ચાલી રહી છે અને એ વહેલી તકે આટોપી લેવાય એ માટે બુર્સ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.બુર્સના ૪,૫૦૦ સભ્યો છે અને જાન્યુઆરીથી તેમની પાસેથી મેઇન્ટેનન્સ લેવાનું પણ ચાલુ કરી દેવાયું છે.એથી કેટલાક લોકોએ થોડી નારાજગી દર્શાવી છે કે ભાઈ,હજી કામકાજ ચાલુ નથી કર્યું અને મેઇન્ટેનન્સ ચાલુ કરી દેવાયું.જોકે બુર્સનું કહેવું છે કે જે ફૅસિલિટી આપવાની છે એ માટે પણ પેમેન્ટ તો કરવાનું જ છે એટલે મેઇન્ટેનન્સ તો લેવું જ પડે એમ છે.

આ વિશે માહિતી આપતાં સુરત ડાયમન્ડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ કહ્યું હતું કે આ મોટો પ્રોજેક્ટ છે અને આવા પ્રોજેક્ટમાં એક વાર ઉદ્ઘાટન કર્યા બાદ એ તરત જ ઑપરેશનલ થવો જોઈએ,પડ્યો રહેવો ન જોઈએ. અમારું પહેલેથી જ લક્ષ્ય હતું કે બુર્સ જેવી ૧૫થી ૨૦ ટકા ઑક્યુપન્સી ધરાવે એટલે એનું ઉદ્ઘાટન કરીને તરત એને ઑપરેશનલ કરી દેવો છે.મે મહિના સુધીમાં એ ચાલુ કરી દેવાય એવી અમારી ગણતરી છે અને એ મુજબ કામ પણ થઈ રહ્યું છે.આખો પ્રોજેક્ટ કમ્પ્લિટ થઈ ગયો છે. નીચેનો એરિયા જે વિવિધ બૅન્કોને લીઝ પર આપવામાં આવ્યો છે એની પ્રોસીજર ચાલુ છે.કસ્ટમ્સની બધી જ પ્રિલિમિનરી મંજૂરીઓ મળી ગઈ છે અને એનું પણ કામ ચાલુ છે.આ ઉપરાંત અમે સિક્યૉરિટીનાં બધાં જ સ્ટાન્ડર્ડ્સ રાખીને બે સેફ બનાવી છે. એ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યાં હતાં.એની બે કંપનીઓ પણ ફાઇનલ થઈ ગઈ છે.એમની પણ દસ્તાવેજી પ્રોસીજર ચાલુ છે.એ પતે એટલે તરત એ સેફ દ્વારા મેમ્બર્સ નોંધવાનું કામ ચાલુ કરાશે.આમ આ પ્રોજેક્ટ ચાલુ કરવા સાથે બધી જ ફૅસિલિટી પણ ચાલુ કરવાની છે જેનું કામ હવે પતવા આવ્યું છે.અમને આશા છે કે મે મહિના સુધીમાં બુર્સ ચાલુ થશે.

મેઇન્ટેનન્સ ચાલુ કરી દેવાયા સંદર્ભે મહેશ ગઢવીએ કહ્યું હતું કે અમારું આ સુરત ડાયમન્ડ બુર્સ નો પ્રૉફિટ,નો લૉસના ધોરણે ચલાવવાનું છે.એથી મેમ્બરો માટેની જે પણ સુવિધાઓ છે જેમ કે સિક્યૉરિટી,મેઇન્ટેનન્સ અને અન્ય સુવિધાઓ મેઇન્ટેઇન કરવાની છે અને એના સ્ટાફને સૅલેરી પણ આપવાની છે એટલે એ આપવા પણ મેઇન્ટેનન્સ તો લેવું જ પડે એમ છે.

આ મોટો પ્રોજેક્ટ છે અને આવા પ્રોજેક્ટમાં એક વાર ઉદ્ઘાટન કર્યા બાદ એ તરત જ ઑપરેશનલ થવો જોઈએ,પડ્યો રહેવો ન જોઈએ.અમારું પહેલેથી જ લક્ષ્ય હતું કે બુર્સ ૧૫થી ૨૦ ટકા ઑક્યુપન્સી થાય એટલે એનું ઉદ્ઘાટન કરીને તરત એને ઑપરેશનલ કરી દેવો છે – મહેશ ગઢવી, સુરત ડાયમન્ડ બુર્સના સીઈઓ

Share Now