સુરત, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે.બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી CCTVના આધારે લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.સુરત શહેર તથા જીલ્લામાં દિનપ્રતિદિન લૂંટ, ચોરી, હત્યાના બનાવો સતત વધી રહ્યા છે,જ્યારે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ઘટનાને અંજામ આપી રહ્યા છે,ત્યારે વહેલી સવારે રાંદેર વિસ્તારમાં આવેલ પ્રાઈમ માર્કેટ નજીક મેન રોડ પરના એક મકાનમાં વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ બંદક બનાવી લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
નવયુગ કોર્મસ કોલેજના નિવૃત્ત પ્રોફેસર શીવરામ કે.પટેલ અને તેમની પત્ની સવારે 7 વાગ્યાના અરસામાં ઘરકામમાં વ્યસ્ત હતા.આ દરમિયાન 5 જેટલા બુકાનીધારી લૂંટારૂ ઘરમાં ઘૂસી જઇ ચપ્પુની અણીએ શીવરામ પટેલ અને તેમની પત્નીને બાનમાં લઇ બંધક બનાવ્યા હતા,જ્યાં ઘરમાંથી રોકડા રૂ. 7 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.જોકે, 5 પૈકી એક લૂંટારૂ વોચમાં બહાર બાઇક લઇ ઉભો હતો,જ્યારે 4 લૂંટારુઓ લૂંટ કરી 2 બાઇક પર બેસીને નાસી છૂટ્યા હતા.બનાવની જાણ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ,રાંદેર પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને પીસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો,જ્યાં ઘરની બહાર લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા તેમાં લૂંટારુઓ નજરે પડ્યા હતા,ત્યારે હાલ તો પોલીસે 5 લૂંટારુ વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.