મુંબઈ , તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : બાળ ઠાકરેએ ૬૬ વર્ષ પહેલાં સ્થાપી હતી એ શિવસેના હાથમાંથી ગયા બાદ બાળ ઠાકરેના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું કે ચૂંટણીપંચને બરખાસ્ત કરવું જોઈએ અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં કોઈ ચૂંટણી નહીં યોજાય.દેશમાં તાનાશાહી આવશે.
શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ગુમાવ્યાના બે દિવસ બાદ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ચૂંટણી યોજીને ચૂંટણીપંચના અધિકારીઓની લોકો મારફત નિમણૂક કરવી જોઈએ.ચૂંટણીપંચે નિર્ણય વિરુદ્ધમાં જ આપવાનો હતો તો સોગંદનામાં શા માટે લેવામાં આવ્યાં? ચૂંટણીપંચ કાંઈ સુલતાન નથી.અત્યારે આપણે કંઈ નહીં કરીએ તો ૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં તાનાશાહી આવી જશે.
ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે કેન્દ્ર સરકારની મદદથી વિરોધીઓને પક્ષ અને ધનુષબાણ મળ્યાં છે,પણ તેમને ઠાકરે નામ નહીં મળે.તેઓ આ નામ ચોરી નહીં શકે.આથી હવે જો અવાજ નહીં ઉઠાવીએ તો આવતા સમયમાં દેશમાં બીજા પક્ષો સાથે પણ આવું જ થશે.ચૂંટણીપંચે આપેલો ચુકાદો અપેક્ષિત નહોતો.અમે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો છે.શિંદે જૂથમાં બધા વિધાનસભ્યો એકસાથે ગયા નથી.શરૂઆતમાં માત્ર ૧૬ વિધાનસભ્યો ગયા હતા એટલે તેમની સામે અપાત્રતાની કાર્યવાહી કરવા માટેની માગણી અમે સુપ્રીમ કોર્ટમાં કરી છે.આ અરજીનો નિર્ણય પહેલાં આવવો જોઈતો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે બંધારણ મુજબ ૪૦ વિધાનસભ્યો અપાત્ર થવા જોઈએ.આ વિશે શરદ પવાર,મમતા બૅનરજી અને નીતીશ કુમાર સાથે ફોન પર ચર્ચા થઈ છે.પક્ષના ભંડોળ પર ચૂંટણીપંચને તરાપ મારવાનો અધિકાર નથી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં હુકુમશાહી આવશે.
ચૂંટણીપંચના ચુકાદા સામે પાંચ મુદ્દા
કેન્દ્રીય ચૂંટણીપંચે શિવસેના બાબતનો ચુકાદો આપ્યો છે એને ઉદ્ધવ ઠાકરે જૂથે પડકારતી અરજી ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.સર્વોચ્ચ અદાલતે જોકે આ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.આજે આ અરજીની સુનાવણી ક્યારે હાથ ધરાશે એ જાહેર થઈ શકે છે.અરજીમાં પાંચ મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે; એક, પક્ષના મોટા ભાગના સભ્યો પોતાના પક્ષે હોવા છતાં ચુકાદો વિરુદ્ધમાં કેમ ગયો? બે, આ ચુકાદો લોકશાહી પદ્ધતિથી આપવામાં નથી આવ્યો. ત્રણ, શિવસેના સત્તાસંઘર્ષ બાબતની અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ચૂંટણીપંચના નિર્ણયને સ્થગિત કરવામાં આવે. ચાર, ૨૦૧૮માં શિવસેનાની કાર્યકારિણીની બેઠક બંધારણ મુજબ હતી અને પાંચ, દાવા મુજબ કાર્યકારિણીમાં જ પક્ષના અધ્યક્ષને તમામ નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને કહ્યું કે તમે પહેલાં મૅટર લિસ્ટ કરો,પછી અમે સુનાવણી કરવી કે નહીં એ નક્કી કરીશું.આથી આજે આ બાબતે સુનાવણી નહીં થાય.બીજું, આ મૅટરને જૂના કેસ સાથે ટૅગ નથી કરવામાં આવી.
સંજય રાઉત સામે ફરિયાદ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાંધાજનક નિવેદન આપવા બદલ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતની મુશ્કેલી વધી શકે છે. તેમની સામે નાશિકમાં એકનાથ શિંદે જૂથના નેતા યોગેશ બેલદારે પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આવી જ રીતે થાણેમાં શિવસેના મહિલા આઘાડી આક્રમક બની છે અને થાણેના નગર પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત સામે ફરિયાદ નોંધાવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે પુણેમાં ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું કે મુખ્ય પ્રધાનપદ મેળવવાની લાયમાં ઉદ્ધવ ઠાકરે કૉન્ગ્રેસ અને એનસીપીનાં તળિયાં ચાટવા ગયા હતા. જોકે ચૂંટણીપંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. અમિત શાહના આ નિવેદનનો જવાબ આપતાં સંજય રાઉતે કહ્યું આ લોકો શું ચાટે છે? આવી ચાટુગીરી મહારાષ્ટ્રમાં ક્યારેય નહોતી થઈ. એકનાથ શિંદે અને તેમના સાથીઓ કેન્દ્ર સરકારની ચાપલૂસી કરી રહ્યા છે. તેઓ તેમની ચાટુગીરી કરી રહ્યા છે.
આજે શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક
કેન્દ્રીય ચૂંટણીપંચે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન એકનાથ શિંદે જૂથને ફાળવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઍક્શન મોડમાં આવ્યા છે. આજે શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ મળશે અને એમાં કેટલાંક મહત્ત્વના નિર્ણય લેવાવાની શક્યતા છે. આજે સાંજે મુંબઈની તાજ પ્રેસિડન્ટ ખાતે આ બેઠક મળશે.
શરદ પવારની બોલતી બંધ
એનસીપીના ચીફ શરદ પવાર બે મામલે મૌન સેવી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં ખૂલીને કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં શરદ પવારની સહમતીથી અજિત પવાર સાથે સરકારની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેન્દ્રીય ચૂંટણીપંચે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ એકનાથ શિંદે જૂથને ફાળવ્યું હતું. આ મુદ્દે શરદ પવાર તરફથી કોઈ જવાબ હજી સુધી આવ્યો નથી. એનસીપીના ચીફના મૌનથી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા થઈ રહી છે કે તેઓ ચૂપ કેમ છે? શરદ પવારે ચૂંટણીપંચના નિર્ણય બાબતે કહ્યું કે આ ચુકાદા પર ચર્ચા ન કરી શકાય. જોકે શરદ પવારે ચૂંટણીપંચના નિર્ણય વિશે કશું કહ્યું નથી. આવી જ રીતે દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે અજિત પવાર સાથે સરકારની સ્થાપના કરતાં પહેલાં શરદ પવારની સહમતી લીધી હોવાનો ખુલાસો કર્યો છે એનો જવાબ હજી સુધી શરદ પવારે આપ્યો નથી.