– ભ્રષ્ટ જીએસટી અધિકારીઓને ત્યાં સીબીઆઈના દરોડો
– મહત્વના દસ્તાવેજ તથા ડિજિટલ ઉપકરણો પણ જપ્તઃ કેસની પતાવટ માટે એક કરોડની માગણી થઈ હતી
મુંબઈ , 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : જીએસટી વિભાગમાં ચાલી રહેલ કથિત ભ્રષ્ટાચાર પ્રકરણે સીબીઆઇની એક ટીમે મુંબઇ,પુણે સહિત કુલ ત્રણ સ્થળે છાપા માર્યા હતા.છાપામારીની આ કાર્યવાહીમાં ચાર લાખની રોકડ અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.આ સાથે જ સીબીઆઇએ મહત્વના દસ્તાવેજ અને અમૂક ડિજીટલ ગેઝેટ્સ પણ તાબામાં લીધા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર એક કરોડની લાંચ માગવા પ્રકરણે ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ પુણેના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલેશકુમાર સિંહ અને ઇન્ટેલિજન્સ ઓફિસર રાહુલ કુમાર સામે ૧૧ જાન્યુઆરીના ગુનો નોંધવામાં આવ્યો હતો.આ અધિકારીઓએ ૧૦ માર્ચ ૨૦૨૨ના પુણેના ફરિયાદીની ઓફિસમાં છાપો માર્યો તો.ફરિયાદી સામે દાખલ થયેલ કેસ બંધ કરવા અધિકારીઓએ એક કરોડ રૃપિયાની લાંચ માગી હતી.
ફરિયાદીએ આ બાબતે લેખિત ફરિયાદ કરતા આ પ્રકરણની વધુ તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે શકમંદ અધિકારીઓએ ફરિયાદી અને તેમના સહકારીઓને પેન્ડિંગ ઇન્કવાયરી પ્રકરણે સતત ફોન કર્યા હતા અને કેસની પતાવટ માટે એક કરોડની રકમ માગી હતી.આ પ્રકરણે સીબીઆઇએ છાપામારીની કાર્યવાહી કરતા ડેપ્યુટી ડાયરેક્ટર ડીજીજીઆઇ (જીએસટી ઇન્ટેલિજન્સ)ના કાર્યાલય પરીસરમાંથી ચાર લાખની રોકડ,સોનાના દાગીના,મહત્વના દસ્તાવેજો સહિત ડિજીટલ ગેઝેટ્સ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.