– ચૂંટણી પંચે શિવસેના પક્ષ અને ધનુષબાણ સોંપ્યા બાદની પહેલી શિવસેનાની એક્ઝિક્યુટિવ બેઠકમાં પક્ષપ્રમુખને બદલે નેતા તરીકે એકનાથ શિંદેની વરણી કરવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસૈનિકોની સહાનુભૂતિ ન મેળવે એવા પ્લાનની ચર્ચા
મુંબઈ , 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : કેન્દ્રીય ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ સોંપ્યા બાદ બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મુંબઈમાં શિવસેનાની કારોબારીની પહેલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં એકનાથ શિંદેને પક્ષપ્રમુખ બનાવાય એવી અટકળો લગાવાતી હતી,પરંતુ એમ કરવાને બદલે એકનાથ શિંદેને શિવસેનાના માત્ર નેતા નિયુક્ત કરાયા હતા.ઉદ્ધવ ઠાકરેની પક્ષપ્રમુખ તરીકેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં એકનાથ શિંદેને પક્ષપ્રમુખ શા માટે ન બનાવાયા એ બાબતે ચર્ચા થઈ રહી છે.નિષ્ણાતોના મતે મુંબઈ સહિત રાજ્યભરમાં હજી પણ અનેક શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરેને જ પક્ષપ્રમુખ માને છે એટલે જો એકનાથ શિંદે જૂથ તેમની પાસેથી આ પદ છીનવી લે તો ઉદ્ધવ ઠાકરે જૂથને શિવસૈનિકોની સહાનુભૂતિ મળી શકે છે.મુંબઈમાં હજી પણ મોટા ભાગના શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરે સાથે છે એટલે જો તેમને પક્ષપ્રમુખપદેથી હટાવવામાં આવે તો મુંબઈ બીએમસીની આગામી ચૂંટણીમાં શિંદે સેના અને બીજેપીને મુશ્કેલી થઈ શકે છે.
એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મંગળવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં આવેલી તાજ પ્રેસિડન્ટ હોટેલમાં શિવસેનાની નૅશનલ એક્ઝિક્યુટિવ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,એમાં શિવસેનાના સાંસદો,વિધાનસભ્યો,નેતાઓ વગેરેનો સમાવેશ હતો.બેઠકની શરૂઆતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પક્ષના સર્વોચ્ચ નેતાપદે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.આ સાથે જ એકનાથ શિંદેને પક્ષપ્રમુખ તરીકે નિયુક્ત કરવાની અટકળોનો અંત આવ્યો હતો.જોકે સવાલ એ છે કે પક્ષપ્રમુખને બદલે એકનાથ શિંદેની મુખ્ય નેતાપદે શા માટે નિયુક્તિ કરવામાં આવી?
રાજકીય નિષ્ણાત અભય દેશપાંડેએ કહ્યું હતું કે એકનાથ શિંદે જૂથ જ્યારથી ઉદ્ધવ ઠાકરેથી જુદું થયું છે ત્યારથી જ એકનાથ શિંદેની મુખ્ય નેતાપદે નિયુક્તિ કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટમાં અત્યારે ચાલી રહેલા મામલામાં પણ એકનાથ શિંદે જૂથે આ નિયુકિત પ્રમાણે જ સોગંદનામાં રજૂ કર્યાં છે.આથી મારી દૃષ્ટિએ જ્યાં સુધી શિવસેનાનો ફાઇનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી પક્ષપ્રમુખ તરીકેની કોઈ હિલચાલ એકનાથ શિંદે જૂથ નહીં કરે.બીજું, તેઓ એવું પણ વિચારતા હોય કે અત્યારની સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી પક્ષપ્રમુખનું પદ આંચકી લેવામાં આવે તો મુંબઈમાં અને રાજ્યના કેટલાક ભાગમાં ઉદ્ધવ ઠાકરેને સહાનુભૂતિ મળી શકે છે.આથી તેમણે હમણાં પક્ષપ્રમુખના મુદ્દાને છેડ્યો નથી.
એક્ઝિક્યુટિવ બેઠકમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગણીની સાથે મરાઠી ભાષાને અભિજાતનો દરજ્જો આપવાનો મુદ્દો માંડવામાં આવ્યો છે.આ વિશે અભય દેશપાંડેએ કહ્યું હતું કે આ બંને મુદ્દા મૂળ શિવસેનાના વર્ષોથી પેન્ડિંગ છે.તેઓ ઘણા સમયથી વીર સાવરકરને મરણોત્તર ભારત રત્ન આપવાની અને મરાઠી ભાષાને અભિજાતનો દરજ્જો આપવાની માગણી કરી રહ્યા છે.ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા બાદ અઢી વર્ષમાં આ બાબતે કંઈ થયું નથી.આથી હવે એકનાથ શિંદે જ શિવસેનાના સર્વોચ્ચ નેતા બન્યા છે અને મુખ્ય પ્રધાન છે ત્યારે તેમણે આ બંને મુદ્દાને છેડીને શિવસેના ફરી મૂળ માર્ગે જઈ રહી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથની બોલતી બંધ કરવાનો પ્રયાસ
સ્વાતંત્ર્યવીર સાવરકરને મરણોત્તર ભારત રત્ન આપવાની માગણીની સાથે મરાઠી ભાષાને અભિજાત ભાષા જાહેર કરવાની સાથે શિવસેનાની કાર્યકારિણીની બેઠકમાં ચર્ચગેટ રેલવે સ્ટેશનને ડૉ. ચિંતામણરાવ દેશમુખ નામ આપવું,રાજ્યના ગઢ-કિલ્લાનું સંવર્ધન, ૮૦ ટકા નોકરી સ્થાનિકોને,રાજમાતા જિજાઉ,ધર્મવીર સંભાજી મહારાજ,પુણ્યશ્લોક અહિલ્યાબાઈનો મહાપુરુષોની યાદીમાં સમાવેશ કરવો વગેરે મુદ્દાને માંડવામાં આવ્યા હતા.પ્રખર હિન્દુત્વવાદી વીર સાવરકરને ભારત રત્ન ન આપવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બીજેપીની આકરી ટીકા કરવામાં આવી રહી છે ત્યારે એકનાથ શિંદેએ આ મુદ્દો ઉપાડવાની સાથે મરાઠી ભાષા અને ચર્ચગેટ રેલવે સ્ટેશનને એક મરાઠી નેતાનું નામ આપવાના મુદ્દાથી ઉદ્ધવ ઠાકરે જૂથની બોલતી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.મૂળ શિવસેનાના મહત્ત્વના મુદ્દા એકનાથ શિંદેએ ફરી હાથ પર લીધા હોવાનું તેમના આ નિર્ણય પરથી જણાઈ આવે છે.
ગૂડી પડવાથી એક મહિનો ૧૦૦ રૂપિયામાં રૅશન વહેંચશે સરકાર
શિવસેનાની કારોબારીની બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કર્યા બાદ રાજ્ય સરકારની કૅબિનેટમાં ગઈ કાલે સામાન્ય જનતાને રાહત થાય એવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો.મહારાષ્ટ્ર સરકાર આંબેડકર જયંતી અને ગૂડી પડવાના અવસરે એક યોજના શરૂ કરશે,જેમાં ૧૦૦ રૂપિયામાં રૅશન વહેંચવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના ૧.૬૩ કરોડ રૅશનકાર્ડધારકોને આ યોજનાનો લાભ મળશે. ૧૦૦ રૂપિયામાં સામાન્ય લોકોને એક કિલો રવો,એક કિલો ચણાદાળ,એક કિલો ખાંડ અને એક લિટર તેલ આપવામાં આવશે.